વિપક્ષ આંકડાની ચિંતા છોડી લોકોના મુદ્દા ઉઠાવેઃ મોદી

18 June, 2019 08:00 AM IST  |  નવી દિલ્હી

વિપક્ષ આંકડાની ચિંતા છોડી લોકોના મુદ્દા ઉઠાવેઃ મોદી

૧૭મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં ભાજપના સાંસદ વીરેન્દ્રકુમારે આજે સવારે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે તેમને શપથ લેવડાવ્યા હતા.

વીરેન્દ્રકુમારે વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત નવા ચૂંટાયેલા સભ્યોને સાંસદ તરીકે શપથ લેવડાવ્યા હતા. બે દિવસમાં તમામ પ૪ર સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. આજરોજ રાજનાથસિંહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઇરાની, ડૉ. જિતેન્દ્રસિંહ સહિત સાંસદોએ સાંસદ તરીકે શપથ લીધા.

પીએમ મોદીએ કહ્યું કે આશા કરું છું કે સર્વદળ સાથે આવે, લોકતંત્રમાં વિપક્ષનું સક્રિય હોવું જરૂરી છે. સંસદ સત્ર શરૂ થાય તે પહેલાં નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથે વાતચીત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષ આંકડાની ચિંતા છોડે અને લોકોના મુદ્દા ઉઠાવે.

અમારા માટે તેમની ભાવનાઓ કીમતી છે. સંસદમાં અમે પક્ષ વિપક્ષને છોડીને નિષ્પક્ષ કામ કરીશું. આશા છે કે આ સત્રમાં વધુમાં વધુ કામ થાય. તમામ પક્ષ સાથે આવે તે પણ જરૂરી છે. લોકતંત્રમાં વિપક્ષ પણ સક્રિય થાય તે ખૂબ જરૂરી છે. નવા સત્ર સાથે નવા ઉમંગ સાથે અને નવાં સપનાઓ સાથે પણ જોડાય.

આ પણ વાંચોઃ IND vs PAK:સ્ટેડિયમની બહાર વેચાતા મોદી માસ્ક જપ્ત કરાયા

આઝાદી બાદ સૌથી વધુ મતદાન આ ચૂંટણીમાં થયું છે. આઝાદી બાદ સૌથી વધુ મહિલા પ્રતિનિધિઓ ચૂંટાઈ છે, ત્યારે પીએમ મોદીએ જનતાનો આભાર માનતા કહ્યું કે, જનતાએ સેવાની તક આપી તે બદલ આભાર. સંસદ ચાલ્યું છે ત્યારે પણ દેશહિતમાં નિર્ણયો થયા છે. તમામ પક્ષો ઉત્તમ પ્રકારની ચર્ચા કરશે અને આશા રાખીએ જનહિતમાં નિર્ણયો આવે.

national news narendra modi