કચ્છમાં ઘોરાડ પક્ષી વિલુપ્તીના આરે : સુપ્રિમ કોર્ટમાં થઇ પીઆઇએલ

18 July, 2019 01:27 PM IST  |  Bhuj

કચ્છમાં ઘોરાડ પક્ષી વિલુપ્તીના આરે : સુપ્રિમ કોર્ટમાં થઇ પીઆઇએલ

PC : Wikipedia

Bhuj : કચ્છની આગવી ઓળખ સમાન ઘોરાડહવે વિલુપ્તીને આરે છે. સમગ્ર ગુજરાતમાં હાલમાં માત્ર અબડાસામાં અંદાજે છ જેટલી માદા ઘોરાડ બચી જવા પામી છે. ઉપરોક્ત બાબતેને ધ્યાનમાં રાખીને ભારતનાં જુદાં-જુદાં રાજ્યો કે જ્યાં ઘોરાડની હાજરી છે, ત્યાંના પ્રકૃતિપ્રેમીઓ અને સંસ્થાઓએ ભેગા મળીને હાલમાંજ નામદાર સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ કરી છે, જેમાં ઘોરાડ અને ખડમોર પક્ષીઓને વિલુપ્તીથી બચાવવા માટે સરકાર ઝડપથી જરૂરી પગલા લે તેવી વિનંતી કરવામાં આવી છે.

 

જુદાં-જુદાં પ્રકૃતિપ્રેમીઓ અને વૈજ્ઞાનીકો દ્વારા ઘોરાડ સંરક્ષણ બાબતની અસંખ્ય રજુઆતો અત્યાર સુધીમાં અનેકવાર કરવામાં આવી છે. દુર્ભાગ્યવશ તેના સંરક્ષણ બાબતમાં સરકારી ગતિ ધીમી અને ઘોરાડના જ રહેઠાણો પર તેને નુકસાનકારક બાબતોની ગતિ ઘણી તીવ્ર રહી છે. આ કારણોસર આ પ્રજાતિ આપણી નજર સમક્ષ વિલુપ્ત થવા પર છે. તેવામાં સુપ્રિમ કોર્ટમાં કરાયેલી અરજી ભારતના ખ્યાતનામ વન્યજીવ વિશેષજ્ઞ અને સંરક્ષણવાદી ડૉ. રણજીતસિંહજીની આગેવાની હેઠળ કરવામાં આવી છે. આ અરજીમાં કચ્છનાં ખ્યાતનામ પક્ષીવિદ શ્રી. નવીનભાઈ બાપટ તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અન્ય જગ્યાઓ પરથી જુદાં-જુદાં પર્યાવરણપ્રેમીઓ અને ધ કોર્બેટ ફાઉન્ડેશન સંસ્થા સહઅરજદાર છે.



ચોક્કસ વિસ્તાર પક્ષી માટે જરૂરી
આ બાબતે વાત કરતા કચ્છના પક્ષીવિદ નવીનભાઈ બાપટે જણાવ્યું કે અમે વિકાસનો વિરોધ નથી કરી રહ્યા. અમારી વિનંતી એટલી છે કે માત્ર આ અમુક ચોક્કસ વિસ્તારોમાં વિજળીનાં તારો જમીન અંદરથી પસાર કરવામાં આવે જેથી પક્ષી અથડાયા વિના ઉડી શકે. હાલમાં તારીખ ૧૫ જુલાઈના સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલી પ્રથમ સુનાવણીમાં આ અરજીને ઉચ્ચ પ્રાધાન્ય આપી એક કમીટીની રચના કરવામાં આવેલ છે. આ કમીટીમાં ઘોરાડ પક્ષીના તજજ્ઞ ડૉ. અસદ રહેમાની, વન્યજીવ વિશેષજ્ઞ ડૉ. ધનંજય મોહન અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની નિમણુક કરવામાં આવી છે. ઉપરાંત કોર્ટ દ્વારા અરજીમાં વર્ણવાયેલી બાબતોને સંલગ્ન નોટીસ પણ મોકલી ચાર જવાબ મળે તેવી નોંધ કરાઇ છે.


આ પણ જુઓ : આ લોકોએ લીધી છે રાજકોટને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની નેમ...

અત્રે ઉલ્લેખનીય છે કે સંલગ્ન ઘોરાડ અને ખડમોર વિસ્તારોમાં પક્ષીઓને નુકસાન કરતી પ્રવૃતિઓ જેમકે વીજળીના તારો અને પવનચક્કીઓ દ્વારા ઉભા થઈ રહેલા માળખાઓમાં અથડાઈ જવાથી થતા મૃત્યુ, ઘટી રહેલા ગૌચર અને ઘાસિયા મેદાનો, ઘોરાડ અને ખડમોરના વિસ્તારોમાં થતી ખલેલ, કૃત્રિમ રીતે ઘોરાડ અને ખડમોરના પ્રજનન કાર્યક્રમમાં થઈ રહેલ વિલંબ વગેરે બાબતોને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી હતી. આ અગાઉ કચ્છમાં વીજળીના તારોની એક જ લાઈન દ્વારા ત્રણ વર્ષમાં કુલ બે માદા ઘોરાડના મૃત્ય થયા હોવા છતાં અનેક રજુઆતો બાદ પણ પાવરલાઈન અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવી નથી. તેમજ ગેટકો જેવી કંપની દ્વારા ઘોરાડના નિયમિત ઉડાનના સ્થળો પર બે ફોરેસ્ટ પ્લોટની વચ્ચે જ વિશાળ સબસ્ટેશન બનાવવામાં આવ્યો છે.

kutch bhuj gujarat