પાવાગઢમાં કમકમાટીભરી દુર્ઘટનાઃ માલવાહક રોપવે તૂટી પડ્યો, ૬ લોકોએ જીવ ગુમાવ્યા

08 September, 2025 08:24 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

સુરેશે મમ્મીને ફોન કરીને ખાતરી આપી કે ફ‍ૂલો પહોંચાડી દીધાં છે અને હું જલદી ઘરે આવું છું, પણ તે ઘરે પાછો પહોંચ્યો જ નહીં

પાવાગઢમાં સર્જાયેલી દુર્ઘટનામાં માલવાહક રોપવે તૂટી પડતાં ૬ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.

શનિવારે ગુજરાતના પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢમાં હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. ત્યાં માલવાહક રોપવેનો તાર તૂટી પડતાં ૬ વ્યક્તિનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં બે લિફ્ટ-ઑપરેટર, બે શ્રમિકો તથા અન્ય બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા ૬ લોકોમાં ૩૦ વર્ષનો સુરેશ માળી પણ હતો. સુરેશ ફૂલનો વેપારી હતો અને પાવાગઢ ફૂલો પહોંચાડવા આવ્યો હતો. અકસ્માતના થોડા કલાક પહેલાં તેણે તેની મમ્મી જયા માળીને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે મંદિરમાં ફૂલની ડિલિવરી કરી દીધી છે અને હું ઘરે આવી રહ્યો છું. મંદિરમાં તાજાં ફૂલો પહોંચાડતા સુરેશ માળીએ માતા જયાબહેનને ખાતરી આપી હતી કે તે ટૂંક સમયમાં ઘરે પાછો ફરશે, પણ તે ઘરે પાછો આવ્યો જ નહોતો.

જયાબહેને જણાવ્યું હતું કે ‘સુરેશ ફૂલો લેવા વડોદરા ગયો હતો અને બપોરે એક વાગ્યાની આસપાસ મારી સાથે વાત કરી હતી. તેણે મને કહ્યું કે ફૂલોની ડિલિવરી કરી દીધી છે અને ટૂંક સમયમાં ઘરે પાછો આવી જશે. થોડી વાર પછી મેં તેના મોબાઇલ ફોન પર ફરીથી ફોન કર્યો, તેનો ફોન એક વાર રણક્યો હતો, પણ એ પછી કોઈ જવાબ ન મળ્યો. પછી તો મોબાઇલ ​સ્વિચ્ડ-ઑફ થઈ ગયો હતો.

આ ઘટના પછી પ્રતિકૂળ વાતાવરણને કારણે શ્રદ્ધાળુઓ માટેનો પૅસેન્જર-રોપવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર-બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ-કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

જયાબહેન અને સુરેશ માળી

પંચમહાલના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હરેશ દુધાતે જણાવ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ રોપવેનો વાયર તૂટી જવાથી અકસ્માત થયો હતો. ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)ની મદદથી તપાસ ચાલી રહી છે.

સ્થાનિક વિધાનસભ્ય જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે રોપવેનો ઉપયોગ ટેકરીની ટોચ પર વિવિધ સામગ્રી લઈ જવા માટે થઈ રહ્યો હતો અને રોપવેની આખી ટ્રૉલી તૂટી પડી અને એક ટાવર સાથે અથડાઈ હતી. ટ્રોલીની અંદર રહેલા તમામ છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જીવ ગુમાવનારા રોપવે ઑપરેટરો મોહમ્મદ અનવર, મોહમ્મદ શરીફ ખાન અને બલવંત સિંહ ધનીરામ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના વતની હતા. તેમના પાર્થિવ દેહને તેમના વતન લઈ જવામાં આવશે.

આ‍ૅપરેટરે કહ્યું, નરી આંખે કંઈ દેખાતું જ નહોતું

દુર્ઘટના સ્થળે હાજર એક રોપવે-ઑપરેટરે જણાવ્યું હતું કે દુર્ઘટના એકદમ અચાનક બની હતી. વાદળછાયું વાતાવરણ હોવાથી બધું ઝાંખું અને ધૂંધળું દેખાઈ રહ્યું હતું. એકદમ શું થઈ ગયું એ નરી આંખે દેખાય એમ પણ નહોતું. હું રોપવે ચલાવી રહ્યો હતો ત્યારે એ અધવચ્ચે જ તૂટી પડ્યો. ઘટના જ્યાં બની એ સ્થળ જાણે વાદળોની ચાદર નીચે ઢંકાઈ ગયેલું હતું. ટ્રૉલી અચાનક તૂટી પડી હતી.

gujarat gujarat news news religious places road accident