મોટું મન રાખીને BJPના સમર્થનમાં જોડાઓ, અમારે આપ સૌના સાથની આવશ્યકતા છે

17 April, 2024 09:10 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રાજકોટમાં ગઈ કાલે શક્તિપ્રદર્શન કરીને પરષોત્તમ રૂપાલાએ લોકસભા બેઠક માટે ઉમેદવારી ફૉર્મ ભર્યું અને ક્ષત્રિય સમાજનો સાથ પણ માગ્યો

પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફૉર્મ ભરવા જતાં પહેલાં સભાને સંબોધી હતી.

રાજપૂત સમાજના વિરોધના વંટોળ વચ્ચે ગઈ કાલે રાજકોટમાં શક્તિપ્રદર્શન સાથે રાજકોટ લોકસભા બેઠક પરથી BJPના ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફૉર્મ ભર્યું હતું અને વધુ એક વાર જાહેરમાં ક્ષત્રિય સમાજનો સાથ માગીને અપીલ કરતાં કહ્યું હતું કે ‘હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું. અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સમર્થનમાં આપ સૌ પણ જોડાઓ એવી નમ્ર વિનંતી છે.’

સભાને સંબોધતાં પરષોત્તમ રૂપાલાએ સૌને રામ-રામ કહીને કહ્યું હતું કે ‘આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું, તેમને ધન્યવાદ પાઠવું છું. આપ સૌ રાજકોટનાં લોકસભાનાં કાર્યકર્તા ભાઈઓ-બહેનો, મતદાર ભાઈઓ-બહેનો, આપ સૌ જે ઉમળકાભેર અને ઉત્સાહથી મને આશીર્વાદ આપવા પધાર્યા છે એ માટે હું નતમસ્તક આપ સૌને વંદન કરું છું. મારો નમ્ર મત છે કે જાગનાથથી અહીં સુધી હાલીને તમે આવ્યા હોય ત્યારે હવે મને મત આપવા માટેની વિનંતી કરવી એ મહત્ત્વની નથી, પણ તમે અહીંથી જઈને આખા મલકમાં મત આપવાનું અભિયાન ચલાવજો એવી વિનંતી આપ સૌને કરું છું.’

BJP પૂરી તાકાત સાથે રૂપાલા સાથે દેખાઈ
રાજકોટમાં ગઈ કાલે BJP પૂરી તાકાત સાથે પરષોત્તમ રૂપાલા સાથે દેખાઈ હતી. વજુભાઈ વાળા, વિજય રૂપાણીથી માંડીને ગુજરાતના પ્રધાનમંડળના સભ્યો, રાજકોટના વિધાનસભ્યો, સંસદસભ્ય સહિત અનેક નેતાઓ, આગેવાનો, સંતો, ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો પરષોત્તમ રૂપાલાની વિજય સંકલ્પ રૅલી અને સભામાં જોડાયા હતા અને ‘રૂપાલા તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના સૂત્રોચ્ચાર કરીને પરષોત્તમ રૂપાલાને પાનો ચઢાવવા સાથે સપોર્ટ કર્યો હતો. પહેલાં રૅલી યોજાઈ હતી ત્યાર બાદ સભા યોજાઈ હતી. પરષોત્તમ રૂપાલા સભાને સંબોધીને ઉમેદવારીપત્ર ભરવા ગયા હતા.

અમદાવાદ, સુરતના ઉદ્યોગપતિઓ; પાટીદાર ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં રાજકોટ પહોંચ્યા
પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં અમદાવાદ અને સુરતના ઉદ્યોગપતિઓ તેમ જ પાટીદાર ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ ગઈ કાલે રાજકોટ આવ્યા હતા. પરષોત્તમ રૂપાલાએ એની જાહેરાત કરતાં મંચ પરથી કહ્યું હતું કે ‘આપણી આ સભામાં આપણા કાર્યક્રમને અને પાર્ટીને સમર્થન આપવા માટે ખૂબ મોટા ઉદ્યોગપતિઓ સુરત અને અમદાવાદથી પધાર્યા છે. મને આનંદ છે કે કિરણ જેમ્સના વી. એસ. લાખાણી ઉપસ્થિત છે. લવજી બાદશાહ, નાગજીભાઈ સાકરિયા, સી. પી. વનાણી, હરીશભાઈ, અનિલભાઈ બગદાણા, બાબુભાઈ જીરા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનથી બાબુભાઈ, ડી. એન. ગોલ, સાકળચંદ પટેલ, સિદસર મંદિરથી જયરામ વાંસજાળિયા, પરેશભાઈ ગજેરા, વસંતભાઈ ગજેરા સૌ મહાનુભાવોને મારા જય સિયારામ, નમો નારાયણ.’  

gujarat news Parshottam Rupala Lok Sabha Election 2024 bharatiya janata party Gujarat BJP