28 July, 2026 07:21 AM IST | Jamnagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ–અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)નું પેપર લીક થયાનો મુદ્દો હજી તો ગાજી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં વધુ એક પેપર લીક થયાનો દાવો થયો છે. જામનગરમાં આવેલી આયુર્વેદિક યુનિવર્સિટીમાં બૅચલર ઑફ આયુર્વેદિક મેડિસિન અને સર્જરી (BAMS)ના ત્રીજા વર્ષના અભ્યાસમાં આવતા શલ્યતંત્ર વિષયનું પેપર લીક થયું હોવાનો દાવો થયો છે. આ મામલે આયુર્વેદિક યુનિવર્સિટીના સત્તાવાળાઓએ આ મુદ્દે તપાસ કરવાની ખાતરી આપી છે.
આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ ગઈ કાલે દાવો અને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘સમગ્ર દેશમાં પેપર-લીક મુદ્દે જેન-ઝી રોડ પર ઊતરી છતાં ફરી એક વાર ગુજરાતમાં પેપર લીક થયું છે.
BJP-શાસિત ગુજરાતમાં પેપર-લીકની ઘટનાઓ અટકતી નથી. હાલમાં જામનગરની આયુર્વેદ કૉલેજનું શલ્યતંત્ર ભાગ-૧નું પેપર લીક થયું છે. ગુજરાતમાં પેપર-લીક માટે નવી મોડસ ઑપરન્ડી સામે આવી છે જેમાં ઇમ્પોર્ટન્ટ (IMP)ના નામે પેપર લીક થઈ રહ્યાં છે. આ પરીક્ષામાં IMPના નામે ૧૨ સવાલો વૉટ્સઅૅપ પર ફરી રહ્યા હતા. અેમાંથી ૧૧ પુછાયા હતા. ગુજરાતમાં એક-બે નહીં, પરંતુ ૩૫ પેપર લીક થયાં છે. આટલાં પેપર લીક થયાં, પરંતુ કોઈને સજા કરવામાં આવી નથી.’