સુરત જિલ્લામાં અંબિકા નદીના કિનારાના અને વરસાદથી અસરગ્રસ્ત ગામોના ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર

02 August, 2026 10:07 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે મોરબી અને સુરેન્દ્રનગર પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ : વડોદરા જિલ્લામાં હૉસ્ટેલમાં પાણી ભરાઈ જતાં ૧૫૦ વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવા મોડી રાતે હાથ ધરાયું રેસ્ક્યુ અૉપરેશન

સુરતના પલસાણામાં આવેલો રાજહંસ ટેક્સ્પા વિસ્તાર ગઈ કાલે જળબંબાકાર હતો.

 સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં પૂર આવતાં કિનારાનાં અને વરસાદથી અસરગ્રસ્ત ગામોના ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 
 ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે છેલ્લા ૩ દિવસ દરમ્યાન વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી ૨૭,૮૬૧ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે ૫૩ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 

વડોદરા જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વાઘોડિયા તાલુકામાં પીપળિયા ગામે સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હૉસ્ટેલમાં રાતે પાણી ભરાઈ જતાં ૧૫૦ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. જોકે વાઘોડિયા તાલુકાના મામલતદાર અને પોલીસની ટીમ શુક્રવારની મધરાત પછી ૩ વાગ્યે હૉસ્ટેલ પર ટ્રૅક્ટરો સાથે પહોંચી ગયાં હતાં અને હૉસ્ટેલમાં ઢીંચણ સુધી પાણી વચ્ચે ફસાયેલા સ્ટુડન્ટ્સને સલામત રીતે ટ્રૅક્ટરમાં બેસાડીને બહાર લાવ્યા હતા. વહેલી પરોઢથી સુધી રેસ્ક્યુ ઑપરેશન ચાલ્યું હતું અને તમામ સ્ટુડન્ટ્સને સલામત બહાર કાઢ્યા હતા.

ગઈ કાલે મોરબી અને સુરેન્દ્રનગર પંથકમાં ભારે વરસાદ પડતાં અગણિત લોકોએ પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. મોરબીનાં બે ગામ સંપર્કવિહોણા બન્યાં હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળીધજા ડૅમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પૂર આવ્યું હતું. વઢવાણ શહેરમાં પોલીસ-સ્ટેશનમાં પાણી ભરાઈ ગયું હતું.

વડોદરા જિલ્લામાં ઢાઢર નદીમાં પૂર આવતાં ડભોઈ તાલુકાના બહેરામપુરા અને રાજલી ગામમાંથી ૭૯ ગામજનોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

બીલીમોરામાં રાતે રેસ્ક્યુ કામગીરી કરીને મહિલાઓ, પુરુષો અને બાળકો મળીને કુલ ૧૧૪ લોકોને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)એ બહાર કાઢ્યા હતા.

સુરત જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડૅમમાં પાણીની આવક વધીને ૪.૮૯ લાખ ક્યુસેક થઈ હતી અને જળસપાટી ૩૨૩.૧૪ ફુટે પહોંચી હતી. ઉકાઈ ડૅમમાંથી તાપી નદીમાં ૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

ઉકાઈ ડૅમમાંથી પાણી છોડાતાં સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એને કારણે કતારગામ અને રાંદેરને જોડતા તાપી નદી પર વિયરકમ કૉઝવેની સપાટી વધીને ૭.૫૨ મીટરે પહોંચી હતી અને ધમસમતું પાણી વહી રહ્યું હતું.

ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૪૭ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના મોરબીમાં ૨૨૦ મિલીમીટર અને ટંકારામાં ૧૮૬ મિલીમીટર વરસાદ ખાબક્યો હતો જેને કારણે મોરબી અને ટંકારા પાણી-પાણી થઈ ગયાં હતાં. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં ૧૭૬ મિલીમીટર, વઢવાણમાં ૧૫૭, લખતરમાં ૧૧૪, મુળી અને ચુડામાં ૯૩ અને થાનગઢમાં ૭૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો.
મોરબી જિલ્લાના હળવદમાં ૧૬૩ મિલીમીટર, માળિયામાં ૧૨૧ અને વાંકાનેરમાં ૧૧૦ મિલીમીટર વરસાદ પડયો હતો.
આ ઉપરાંત નર્મદા જિલ્લાના તિલકવાડામાં ૧૦૯ મિલીમીટર, ખેડા જિલ્લાના મહુધામાં ૧૦૦, નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં ૮૯ અને સુરતના ઓલપાડમાં ૮૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો.

gujarat news gujarat vadodara surat Gujarat Rains monsoon news