Independence Day 2023: યાત્રાધામોમાં દેવની સાથે દેશભક્તિ

11 August, 2023 06:55 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

Independence Day 2023: દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની જોશભેર ઉજવણી થઈ રહી છે અને ચારે તરફ તિરંગો-માહોલ છવાઈ ગયો છે ત્યારે ગુજરાતનાં યાત્રાધામો પણ આસ્થા અને ધર્મભક્તિ સાથે દેશભક્તિનાં સંગમસ્થાન બન્યાં હોવાનો માહોલ સર્જાયો છે

સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને થ્રી-ડી લાઇટિંગની મદદથી તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું છે.

Independence Day 2023: દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની જોશભેર ઉજવણી થઈ રહી છે અને ચારે તરફ તિરંગો-માહોલ છવાઈ ગયો છે ત્યારે ગુજરાતનાં યાત્રાધામો પણ આસ્થા અને ધર્મભક્તિ સાથે દેશભક્તિનાં સંગમસ્થાન બન્યાં હોવાનો માહોલ સર્જાયો છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ગબ્બરને ફરતે બનાવેલાં ૫૧ શક્તિપીઠ પર ગઈ કાલે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ભારત ઉપરાંત નેપાળ, તિબેટ, શ્રીલંકા, બંગ્લા દેશ અને પાકિસ્તાનમાં પણ શક્તિપીઠ આવેલાં છે. વિદેશમાં આવેલાં આ શક્તિપીઠો પુનઃ ભારતવર્ષમાં સામેલ થાય અને રાષ્ટ્ર ફરી અખંડ ભારતવર્ષ બને એવી પ્રાર્થના અંબે માતાજીના ચરણે કરીને ગબ્બરની ફરતે આવેલાં તમામ ૫૧ શક્તિપીઠની પ્રતિકૃતિસમાન મંદિરો પર તિરંગો લહેરાવ્યો હતો. અંબાજી ઉપરાંત સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને થ્રીડી લાઇટિંગની મદદથી તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું છે. સોમનાથના ધ્વજથી માંડીને મુખ્ય શિખર કેસરી રંગની, મધ્ય ભાગમાં સફેદ અને પ્રવેશદ્વાર અને નીચેના ભાગને લીલા રંગની રોશનીથી પ્રકાશિત કરાયો છે. જેના કારણે મંદિરમાં આવતા દર્શનાર્થીઓને ધર્મની સાથે દેશભક્તિની અનુભૂતિ થઈ રહી છે. સોમનાથ ટ્રસ્ટની તમામ ઇમારતો અને ગેસ્ટહાઉસ પર તિરંગો ફરકાવાયો છે. હર ઘર તિરંગા અભિયાનને લગતા સેલ્ફી-પૉઇન્ટ તૈયાર કરાયા છે, એ ઉપરાંત સોમનાથ સમુદ્રદર્શન વૉક-વે પર વિશાળ તિરંગા લગાવવામાં આવ્યા છે. બે બાજુએ લગાવેલા તિરંગામાં વચ્ચે તિરંગાના કલરમાં જય સોમનાથ લખવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટે સ્થાનિક પંડિતોના સહયોગથી ગઈ કાલે મંદિરમાં દર્શને આવતા ભાવિકોને ભક્તિ સાથે દેશભક્તિનો અનુભવ કરાવવા ભાવિકોના કપાળ પર તિરંગા કલરનું કેસરી, સફેદ અને લીલા રંગનું ત્રિપુંડ કરી આપવામાં આવ્યું હતું. બીજી તરફ અમદાવાદના મણિનગરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર પર ગઈ કાલે સંતો દ્વારા તિરંગા જેવો વિશિષ્ટ શણગાર કરાયો હતો જે હરિભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

અમદાવાદના મણિનગરમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર પર ગઈ કાલે સંતો દ્વારા તિરંગા જેવો વિશિષ્ટ શણગાર કરાયો હતો.

શક્તિપીઠ અંબાજીમાં ગબ્બરની ફરતે બનાવેલી ૫૧ શક્તિપીઠ પર ગઈ કાલે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

gujarat gujarat news independence day shailesh nayak