ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા બમણી થઈ

12 January, 2021 02:12 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા બમણી થઈ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતથી એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આંકડાઓ મુજબ ગત પાંચ વર્ષમાં ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂનું સેવન કરતી મહિલાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. જ્યારે પુરુષોના દારૂ પીવાના મામલા ઘટીને અડધા થઈ ગયા છે. હાલમાં જાહેર થયેલ રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ, ૨૦૧૯-૨૦ના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

ગુજરાતમાં કુલ ૩૩,૩૪૩ મહિલાઓ અને ૫૩૫૨ પુરુષોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૦૦ મહિલાઓ (૦.૬ ટકા) અને ૩૧૦ પુરુષો (૫.૮ ટકા)એ દાવો કર્યો કે તેઓ દારૂ પીવે છે. જ્યારે ૨૦૧૫ના એનએફએચએસ સર્વેક્ષણ દરમ્યાન ૬૮ મહિલાઓ (૦.૩ ટકા) અને ૬૬૮ પુરુષો (૧૧.૧ ટકા)એ દારૂ પીવાની વાત સ્વીકારી હતી. ૨૦૧૫માં ૬૦૧૮ પુરુષો અને ૨૨,૯૩૨ મહિલાઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.

બન્ને આંકડાઓની સરખામણી કરીએ તો માલૂમ પડે છે કે ૨૦૧૫માં માત્ર ૦.૧ ટકા શહેરી મહિલાઓએ દારૂ પીવાની વાત સ્વીકારી હતી, જ્યારે ૨૦૨૦ના સર્વેક્ષણમાં ૦.૩ ટકા મહિલાઓ દારૂનું સેવન કરતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

૨૦૧૫માં દારૂ પીતા પુરુષોના મામલા ૧૦.૬ ટકા હતા, જ્યારે ૨૦૨૦માં આ ઘટીને ૪.૬ ટકા થઈ ગયા. ગ્રામીણ ક્ષેત્રોમાં દારૂનું સેવન કરતી મહિલાઓના ટકા ૨૦૧૫માં ૦.૪ ટકાથી વધીને ૨૦૨૦માં ૦.૮ ટકા થઈ ગયા. દારૂ પીતા પુરુષોની સંખ્યા ૨૦૧૫માં ૧૧.૪ ટકાથી ઘટીને ૨૦૨૦માં ૬.૮ ટકા થઈ ગઈ છે.

gujarat