હવે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર માટે બીજેપીનું ખુલ્લેઆમ સમર્થન

21 May, 2023 08:33 AM IST  |  Mumbai | Shailesh Nayak

ભગવા પાર્ટીના સહયોગથી વડોદરામાં પણ યોજાશે બાગેશ્વર ધામનો દરબાર 

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની ફાઇલ તસવીર

જ્યારથી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના ગુજરાતના કાર્યક્રમો જાહેર થયા છે ત્યારથી વાદવિવાદ અને વિરોધ શરૂ થયો છે ત્યારે આ વિવાદો વચ્ચે ગુજરાતમાં વધુ એક શહેરમાં દરબાર ભરાશે. બીજેપીના સહયોગથી સંસ્કારી નગરી વડોદરામાં પણ બાગેશ્વર ધામનો દરબાર યોજાશે.

ગુજરાતમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન થયું છે. આ દરબારને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે ચર્ચા થઈ છે અને આ દરબાર કાર્યક્રમ ટોક ઑફ ધ સ્ટેટ બની ગયો છે અને શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને ધર્મના મુદ્દાને લઈને રાજકીય ઘમાસણ મચી ગયું છે, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વધુ એક દરબાર વડોદરામાં યોજાશે. વડોદરામાં શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ દ્વારા દરબારનું આયોજન થયું છે, જેને વડોદરા બીજેપીએ સપોર્ટ જાહેર કર્યો છે.

વડોદરામાં દરબારનું આયોજન કરનાર શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના કમલેશ પરમારે મીડિયાને કહ્યુ હતું કે ‘૩ જૂને સાંજે નવલખી ગ્રાઉન્ડમાં અમે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ બીજેપીના સહયોગથી યોજાશે.’

વડોદરા શહેર બીજેપીના પ્રમુખ વિજય શાહે મીડિયાને કહ્યું હતું કે ‘શુભેચ્છકો–સમર્થકો બાબાના દર્શને ગયા હતા અને વિનંતી કરી હતી. બાબાએ તેમની વિનંતી સ્વીકારી છે અને ૩ જૂને નવલખી ખાતે કાર્યક્રમનું આયોજન બીજેપી સાથે જોડાયેલા શુભેચ્છકો અને સમર્થકોના પ્રયત્નોથી થઇ રહ્યું છે. જે લોકો આ કાર્યક્રમ કરી રહ્યા છે તેઓ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે માટે એમના સમર્થનમાં અમે લોકો એમની સાથે જોડાયા છીએ.’

gujarat gujarat news bharatiya janata party vadodara shailesh nayak