કોરોના વાઇરસનાં કોઈ લક્ષણ નહીં છતાં ૬૮ વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પૉઝિટિવ

10 April, 2020 04:13 PM IST  |  Mumbai Desk

કોરોના વાઇરસનાં કોઈ લક્ષણ નહીં છતાં ૬૮ વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પૉઝિટિવ

હજી બે દિવસ પહેલાં જ જામનગરમાં માત્ર ૧૪ માસના બાળકનું મોત થતાં લોકો શોકમગ્ન થઈ ગયા હતા. બુધવારે ફરીથી સુરતમાં દોઢ વર્ષના બાળક જ્યારે બોડેલીમાં પણ બે વર્ષની બાળકી કોરોના પૉઝિટિવ થતાં સમગ્ર ગુજરાતને આંચકો લાગ્યો છે. આ બન્ને માસૂમોને બચાવવા માટે ડૉક્ટરો પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. ઉપરાંત ઇન્દોરથી એક મૃતકની અંતિમ વિધિ કરવા દાહોદ આવેલા પરિવારની ૯ વર્ષની બાળકીની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. દાહોદ જિલ્લામાં સૌપ્રથમ કેસ નોંધાયો છે.

આ ત્રણેય બાળકોને કઈ રીતે કોરોના થયો તેની ડૉક્ટરને કે તંત્રને હજી કોઈ જ ખબર નથી. ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં કોરોના વાઇરસથી હવે નાના માસૂમો શિકાર બની રહ્યા છે. માતાપિતાથી એક ક્ષણ માટે પણ છૂટાં નહીં પડતાં બાળકોને કઈ રીતે ચેપ લાગી રહ્યો છે એ મોટું રહસ્ય છે. વહાલસોયાં સંતાનોને ખતરનાક કોરોના થવાનું શરૂ થતાં અમદાવાદ સહિતનાં શહેરો તેમ જ ગામડાંઓમાં રહેતાં માતા-પિતામાં ખોફનો માહોલ ઊભો થયો છે. સુરતમાં સુલતાનિયા જિમખાના વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષનો પુરુષનો મોડી રાત્રે કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પૉઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે. ૬૮ વર્ષીય વ્યક્તિને કોરોનાનાં કોઈ લક્ષણ જોવા મળ્યાં નહોતાં. પરંતુ કોરોના પૉઝિટિવ એહસાન પઠાણનું મોત થતાં કમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં વૃદ્ધને કોરોના પૉઝિટિવ આવ્યો છે. લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પૉઝિટિવ હોવાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે.

gujarat national news coronavirus covid19