દક્ષિણમાં અનરાધાર, પણ ઉત્તરમાં કોરુ આકાશ, 6 જિલ્લામાં નથી વરસાદ

01 July, 2019 03:30 PM IST  |  ગાંધીનગર

દક્ષિણમાં અનરાધાર, પણ ઉત્તરમાં કોરુ આકાશ, 6 જિલ્લામાં નથી વરસાદ

દક્ષિણ ગુજરાત સતત વરસાદમાં ભીંજાઈ રહ્યું છે. વલસાડ, સુરત, ડાંગ સહિતના જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત પર મેઘો એવો મહેરબાન થયો છે કે નદી નાળા છલકાઈ ગયા છે. અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે, ક્યાંક ક્યાંક પાણી પુલ પરથી વહી રહ્યા છે. ઘરોમાં પાણી ઘુસવાના પણ અહેવાલ છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાત હજીય વરસાદ જંખી રહ્યું છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લા હજીય કોરાધાકોર છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ

દક્ષિણ ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર જોવામળી રહી છે. વલસાડના વાપીમાં 14 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. રાજ્ય સરકારની માહિતી પ્રમાણે 23 જિલ્લાના 121 તાલુકામાં મેઘમહેર થઈ ચૂકી છે. પરંતુ ઉત્તર ગુજરાતના છ જિલ્લા હજીય વરસાદની રાહ જોઈ રહ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ પ્રમાણે ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ક્યાંય વરસાદ પડ્યો નથી. મહેસાણાના વિજાપુર તાલુકામાં 11 મિમી, મહેસાણા તાલુકામાં 42 મિમી વરસાદ પડ્યો છે, તો અરવલ્લીના બાયડમાં 38 મિમી અને માલપુરમાં 3 મિમી વરસાદ પડ્યો છે. જો કે બાકીના ચાર જિલ્લામાં વરસાદની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ મુંબઈના વરસાદમાં ભજિયાની સાથે સાથે માણો મજેદાર મીમ્સને 

મુંબઈમાં મેઘમહેર

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી મુંબઈમાં પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. મુંબઈના કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. મુંબઈમાં સતત ત્રણ ચાર દિવસથી ધીમીધારે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પરિણામે મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન પણ ધીમી ચાલી રહી છે. તો ગુજરાતથી મુંબઈ જતી આવતી ટ્રેનો પણ લેટ થઈ રહી છે. કેટલીક ટ્રેનના રૂટ બદલાયા છે, તો કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. અને આગામી કેટલાક દિવસો સુધી હજીય દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

gujarat news Gujarat Rains