આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ નાઈટ કર્ફ્યૂ

20 November, 2020 07:29 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ નાઈટ કર્ફ્યૂ

ફાઈલ ફોટો

કોરોનાનો કહેર સતત વધી રહ્યો હોવાથી ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે.  અમદાવાદમાં કર્ફ્યૂ અને રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પેટેલે માહિતી આપતા કહ્યું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

નીતિન પટેલે કહ્યું કે, આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. આજથી 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવી છે. તેની ચર્ચા કરવામાં આવી છે. તે માટે ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડો ખાલી નથી તે વાત ખોટી છે.

તેમણે ઉમેર્યું કે, અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. કોઇ મોટી સંખ્યામાં આ ત્રણેય શહેરોમાં કેસનો વધારો ન થયો હોવા છતાં કોરોનાની સ્થિતિને ગંભીરતાથી લેતા આ નિર્ણય લેવાયો છે. ગઇકાલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1340 હતી. તે આજે 1420 થઇ છે. મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. મહદઅંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યાં છીએ.

પરિસ્થિતિનું અવલોકન કરીએ તો 1200 બેડની હોસ્પિટલમાં 971 દર્દી દાખલ છે. 1200 બેડની હોસ્પિટલમાં હજુ 60 ICU બેડ ખાલી છે. 1200 બેડની હોસ્પિટલમાં નવા 120 બેડ ઉમેરાશે. સોલામાં હાલ 400 આઇસોલેશન વોર્ડ અને ICUના 50 બેડ છે. સોલા સિવિલમાં કોરોનાના સામાન્ય 270 દર્દી સારવાર હેઠળ છે. ગાંધિનગર સિવિલમાં પણ 230 નોન ક્રિટિકલ દર્દી સારવાર હેઠળ છે.

અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારપછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કર્ફ્યૂ ચાલુ રહેશે. આ દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે. અગાઉ અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તાએ સાંજે 5:30 વાગ્યે રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી અને રાત્રે 10 વાગ્યે 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી હતી. પરિણામે અમદાવાદની પરિસ્થિતિ વણસી હોય તેવા સ્પષ્ટ એંધાણ છે. વેકેશન દરમિયાન બહારગામ ગયેલા લોકો શુક્રવારે શહેરમાં પરત આવવા ધસારો કરશે. આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.

gujarat coronavirus lockdown