વરસાદનું ટાર્ગેટ ગુજરાત

17 August, 2022 11:20 AM IST  |  Mumbai | Shailesh Nayak

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો : ગુજરાત ઉપરાંત એના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે નદી-નાળાં અને ડૅમમાં નવાં પાણી આવ્યાં : મીઠી ખાડીમાં પાણી આવતાં સુરતની સૂરત બગડી : લિંબાયત વિસ્તારમાં ખાડીનાં પાણી ફરી વળ્યાં

અરવલ્લીમાં મેશ્વો નદીમાં પાણી આવતાં મોડાસા તાલુકાના જાલમપુર પાસે નદીના પટમાં ૧૪ લોકો ફસાયા હતા. તેમને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા.


અમદાવાદ ઃ ઉત્તર અને દક્ષિણ ગુજરાતને ગઈ કાલે વરસાદે ધમરોળ્યું હતું. સુરત જિલ્લો હોય કે સાબરકાંઠા, અરવલ્લી હોય કે તાપી કે વલસાડ જિલ્લો હોય, વરસાદ મન મૂકીને પડ્યો હતો. એમાં પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સુરતમાંથી પસાર થતી મીઠી ખાડીમાં પાણી આવતાં સુરતની સૂરત બગડી હતી અને લિંબાયત વિસ્તારમાં ખાડીનાં પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું હતું.
ગુજરાતમાં ગઈ કાલે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો હતો અને સાંજે ૬ વાગ્યા સુધી ૨૨૪ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાત ઉપરાંત એના ઉપરવાસમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં પડેલા વરસાદને પગલે ગુજરાતમાં નદી-નાળાં અને ડૅમમાં નવાં પાણી આવ્યાં છે. સુરતમાંથી પસાર થતી મીઠી ખાડીમાં પાણીનો સ્તર વધતાં લિંબાયત વિસ્તારમાં એનાં પાણી ઘૂસી ગયાં હતાં. આખા વિસ્તારમાં ખાડીનાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ, શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત પરબત પાટિયા વિસ્તારમાં પણ ખાડીનાં પાણી ભરાયાં હતાં. 
સુરત જિલ્લાના બારડોલીમાં સોમવારે રાતે પડેલા વરસાદથી લોકો બેહાલ થયા હતા. ભારે વરસાદથી નગરમાં પાણી ભરાઈ ગયાં હતાં. બારડોલી પાસેથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણી આવતાં ધુલિયા જતા નૅશનલ હાઇવે પર બનેલા બૅરલ બ્રિજ પરથી નદીનાં પાણી પસાર થતાં બ્રિજ બંધ કરાયો હતો અને સલામતી માટે પોલીસપહેરો ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે સોનગઢ, ઉચ્છલ, વ્યારા, ડોલવણ સહિતના તાલુકાઓમાં કોઝવે પર પાણી ફરી વળતાં ૪૪ રસ્તા બંધ કરાયા હતા.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કિમ નદીમાં પાણી આવતાં એ બેકાંઠે વહેતી હતી. નદીમાં પાણી આવતાં આંબાવાડી–કુડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં રસ્તો બંધ થયો હતો. બીજી તરફ વલસાડમાં ઔરંગા નદીમાં પાણી આવતાં વૉટર વૉકર્સ ડૅમ ઓવરફ્લો થયો હતો. નદીમાં પાણી આવતાં વલસાડ–ખેરગામને જોડતો બ્રિજ બંધ કરવો પડ્યો હતો.
બીજી તરફ ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં મેશ્વો નદીમાં પાણી આવતાં મોડાસા તાલુકાના જાલમપુર પાસે નદીના પટમાં ૧૪ લોકો ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ભારે વરસાદને કારણે પહાડોની વચ્ચે આવેલા હિંમતનગર તાલુકાના હુંજ ગામે પાણી આવતાં ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું.
મેશ્વો નદીનાં પાણી ફરી વળતાં શામળાજીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. બીજી તરફ શામળાજી પાસે આવેલા શામળાપુર ગામે વરસાદી પાણી ભરાતાં ગામના લોકોએ રોડ પર આવીને હિંમતનગર–ઉદેપુર હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. આ ઉપરાંત ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે પાણી આવતાં સાબરકાંઠાનો હાથમતી વેસ્ટ વિયર ઓવરફલો થયો હતો. 

gujarat news Gujarat Rains