ત્રિશુલિયા ઘાટ પાસે ખાઈમાં બસ ખાબકી : ૨૧નાં મોત

01 October, 2019 01:20 PM IST  |  મુંબઈ ડેસ્ક

ત્રિશુલિયા ઘાટ પાસે ખાઈમાં બસ ખાબકી : ૨૧નાં મોત

ટ્રક સાથેની અકસ્માત બાદ ઉંધી વળી ગયેલી બસ. (તસવીર- પીટીઆઇ)

દાંતા : (જી.એન.એસ.) અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો, જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં ૨૧થી વધારે લોકોનાં મોતની આશંકા સેવવામાં આવી રહી છે, જ્યારે વીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. બસ સ્લિપ થઈ ગઈ હોવાની શક્યતા સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મોટા ભાગના રહેવાસી આણંદના ખરોલ ગામના વતની હોવાની માહિતી મળી રહી છે.

અંબાજીથી દાંતા વચ્ચેના હાઇવે પર ચાર વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી બસ અંબાજી જતાં ત્રિશુલિયા ઘાટ નજીક વળાંક લેતાં ખાઈમાં ખાબકી હતી, જેમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ રહી છે. ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે હાઇવે પર લાશો પડી હતી અને વરસાદી માહોલમાં રોડ લોહીથી લથપથ હતો.
ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી બસે પલટી મારતાં ઘટનાસ્થળે જ ૨૧થી વધારે લોકોનાં મોત થયાં હતાં. અકસ્માતને પગલે મુસાફરોની ચિચિયારીઓ ગુંજી હતી, જ્યારે ૨૧થી વધુ લોકો ઘાયલ થયા હોવાનો અંદાજ છે. હાઇવે પર દોડધામ મચી હતી. ઘટનાને પગલે દાંતા પોલીસે રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી, જ્યારે બસમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ રહી છે. ઘટનાસ્થળે ૧૦૮ સહિતની ઍમ્બ્યુલન્સનો કાફલો દોડી ગયો હતો. બસ પલટી ખાતાં વીસથી વધુ ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફત તાત્કાલિક સારવારાર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાઇવે પર અકસ્માતને પગલે ગમગીનીભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં. તાજેતરમાં અહીં અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ત્રિશુલિયા ઘાટ નજીક રોડ-અકસ્માતમાં જાનહાનિ થવા પર મુખ્ય પ્રધાન રૂપાણીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. ઈજાગ્રસ્ત લોકો વહેલી તકે સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું હતું હું દિવ્ય આત્માઓ માટે પ્રાર્થના કરું છું.

gujarat