ડાંગ જિલ્લામાં ગાંજાની ખેતીનું રૅકેટ 439 છોડ સાથે ત્રણ જણની ધરપકડ

07 September, 2019 08:50 AM IST  |  નવસારી

ડાંગ જિલ્લામાં ગાંજાની ખેતીનું રૅકેટ 439 છોડ સાથે ત્રણ જણની ધરપકડ

ડાંગ જિલ્લામાં ગાંજાની ખેતીનું રૅકેટ પકડાયું

ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં ગાંજાની ખેતી થતી હોવાની બાતમીના આધારે પોલીસે બે ટીમ બનાવી તપાસ કરી રેઇડ પાડી હતી, જેમાં દહેર અને ઉગા ગામે ગાંજાની ખેતી કરતા ત્રણ જણ મળી આવ્યા હતા. 

ડાંગ અને તાપી જિલ્લાની હદમાં ગાંજાની ખેતી થતી હોવાની પોલીસને માહિતી હતી. જોકે કોઈ ચોક્કસ કડી મળતી નહોતી. આ બાબતે ડાંગ જિલ્લા પોલીસે મળેલી બાતમીના આધારે બે ટીમ બનાવી સુબિર તાલુકાના ઉગા અને દહેર ગામમાં રેઇડ પાડી હતી. પોલીસે એફ.એસ.એલ.ને સાથે રાખી તપાસ કરતાં ઉગા ગામે હરીશ પવાર અને દેવરામ પવાર નામના બે જણે પોતાના મકાનના વાડામાં અને માલિકી હેઠળના ખેતરમાં જે છોડનું વાવેતર કર્યું હતું એ ગાંજાના હોવાનું જણાતાં બન્નેની ધરપકડ કરી હતી સાથે દહેર ગામે રામુ પવાર નામનો માણસ પણ તેના ખેતરમાં ગાંજાની ખેતી કરતો મળી આવ્યો હતો.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રને આવતા વર્ષે નહીં નડે પાણીની સમસ્યા, મેઘમહેરથી 28 ડેમ ઑવરફ્લો

પોલીસે બન્ને સ્થળેથી કુલ ૪૩૯ ગાંજાના છોડ કબજે કર્યા, જેનું વજન ૨૯ કિલો ૯૭૦ ગ્રામ અને કિંમત ૨,૩૨,૫૮૦ રૂપિયા છે. મુદ્દામાલ સાથે ત્રણ જણની ધરપકડ કરી નાર્કોટ‌િક્સ ગુના હેઠળની કલમ ૮ બી અને ૨૦ એ મુજબ કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી દહેર ગામનો આરોપી દેવરામ પવાર ભગત ભૂવાનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન તાપી અને ડાંગ જિલ્લાની હદમાં ગાંજાની મોટા પાયે ખેતી થાય છે. પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરે તો મોટી સફળતા મળી શકે છે.

gujarat navsari Crime News