ગુજરાતના આ ગામમાં ચોમાસું બેસે પછી મરના મના હૈ

15 September, 2019 07:49 AM IST  |  મુંબઈ | રોનક જાની

ગુજરાતના આ ગામમાં ચોમાસું બેસે પછી મરના મના હૈ

હવા ભરેલી ટ્યુબ પર મૃતદેહ બાંધીને લઈ જતા ગ્રામજનો.

ગુજરાત મૉડલ અને વિકાસની મોટી વાતો વચ્ચે ડાંગ જિલ્લાનું જૂનું દાવદહાડ ગામ આજે પણ સુવિધાથી વંચિત છે. આ ગામમાં આવવા-જવા માટે કોઈ રસ્તો નથી. સામાન્ય દિવસોમાં અવરજવર માટે નદીના પટનો ઉપયોગ થાય છે, પરતું ચોમાસામાં વરસાદનું આગમન થતાં છેલ્લાં ૫૧ વર્ષથી ગામ સંપર્કવિહોણું બની જાય છે. ગામની મુખ્ય જરૂરિયાત નદી પર પુલ બનાવવાની છે જે પૂરી થતી નથી. પરિણામે વર્ષોથી લોકોએ ટ્યુબમાં હવા ભરીને નદી ઓળંગવી પડે છે. ગયા મંગળવારે રાજવી પરિવારના ૫૦ વર્ષના બામનભાઈ પવાર મૃત્યુ પામતાં તેમના મૃતદેહને પણ ટ્યુબ સાથે બાંધીને નદીમાં થઈ સ્મશાનભૂમિ સુધી લઈ જવાયો હતો. 

ડાંગ જિલ્લાની ખાપીરી નદીને કિનારે આવેલા દાવદહાડ ગામમાં વિકાસ તો દૂરની વાત‍, અહીં પાયાની સુવિધાનો અભાવ છે. ગામમાં આવવા-જવા માટે કોઈ માર્ગ નથી જેના અભાવે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગામના રામુભાઈ પવારે જણાવ્યા મુજબ ૧૯૬૮માં આવેલ પૂરને કારણે દાવદહાડ ગામ વિખૂટું પડ્યું હતું અને ખાપરી નદીના બે ભાગમાં વહેંચાઈ ગયું હતું જેમાં મૂળ ગામ જૂનું દાવદહાડ ગામ. અહીં પહોંચવા માટે નદીમાં હવા ભરેલી ટ્યુબનો સહારો લેવો પડે છે અથવા તો પિંપરી ગામના કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાંથી ૩ કિલોમીટર જંગલમાં ચાલીને જવું પડે છે. આશરે ૩૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં સરકારી યોજના કે વિકાસ દેખાતાં નથી. ૧૫ દિવસ પહેલાં ઇલેક્ટ્રિક ફૉલ્ટ થતાં ગામમાં અંધારપટ છવાયો હતો.

અધિકારીઓએ ગામમાં ઇલેક્ટ્રિક ડીપી લઈ જવાની કોઈ સુવિધા ન હોવાનું કારણ આપી હાથ અધ્ધર કરી દીધા હતા. ત્યારે ગ્રામજનો આ ડીપી અને વીજકંપનીના કર્મચારીઓને હવા ભરેલી ટ્યુબ પર બેસાડીને ગામમાં લઈ ગયા એ પછી ગામમાં ફરી વીજળીની સપ્લાય શરૂ થઈ હતી. ચોમાસા દરમ્યાન શાળાનાં બાળકો સુધી સરકારની દૂધ સંજીવની યોજના અંતર્ગત મળતું દૂધ પહોંચાડવા માટે પણ જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે. અહીં ચોમાસા દરમ્યાન આરોગ્યલક્ષી સેવા ૧૦૮ પણ પહોંચી શકતી નથી જેને કારણે ગયા વર્ષે બે વિદ્યાર્થીઓ સર્પદંશનો શિકાર બન્યા અને સમયસર સારવાર ન મળતાં તેમનાં મૃત્યુ થયાં હતાં.

૨૦૧૬માં નદીના પ્રવાહમાં તણાઈ જતાં કાકડુબહેન પવાર અને ૨૦૧૭માં સિત્તરભાઈ પવાર નદીમાં તણાઈ ગયાં હતાં અને તેમનાં મૃત્યુ થયાં હતાં. આટલી ગંભીર હાલતમાં રહેતા આદિવાસીઓની કરુણતા જાણવા સ્થાનિક ધારાસભ્ય સિવાય કોઈ નેતા કે વહીવટી તંત્રના અધિકારીએ મુલાકત લીધી નથી. આ ગુજરાતનું એકમાત્ર ગામ છે જેણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો છે.  

આ પણ વાંચો : 7 દાયકામાં પહેલી વાર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ, PM કરશે વધામણા

પુલ ક્યારે બનશે? 

આ સંદર્ભે ડાંગના કલેક્ટરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સરકારે દાવદહાડ ગામના લોકોની માગણીને પૉઝિટિવ લઈને ૬.૫ કરોડનો બ્રિજ મંજૂર કર્યો છે, ટેન્ડર અને પ્લાન એસ્ટિમેટ થઈ ગયા છે, વહીવટી મંજૂરી માટે સરકારમાં રજૂ કરવામાં આવ્યું છે, વહીવટી મંજૂરી મળતાં ચોમાસા પછી આ કામ શરૂ કરવામાં આવશે. જોકે અગાઉ પણ પુલ મંજૂર થયો હતો છતાં કોઈક કારણસર કામ થયું નહોતું જેથી ગ્રામજનોને હવે સરકાર પર વિશ્વાસ રહ્યો નથી.

gujarat navsari Gujarat Rains