કચ્છની કોયલ ગીતા રબારીના ડાયરામાં થયો ડૉલરિયો વરસાદ

03 February, 2020 07:46 AM IST  |  Navsari | Ronak Jani

કચ્છની કોયલ ગીતા રબારીના ડાયરામાં થયો ડૉલરિયો વરસાદ

ગીતા રબારીનાં ડાયરામાં થયો ડૉલરનો વરસાદ

નવસારી જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા ચીખલી તાલુકાના વાંઝણા ગામે રાજરાજેશ્વરી મેલડી માતાના મંદિરના લાભાર્થે તેમ જ સામાજિક કામોમાં ઉપયોગી થવા ગામજનોના સહયોગથી લોકગાયિકા ગીતા રબારીનાં ભજન અને ડાયરાનું આયોજન શનિવારે રાત્રે કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં ભક્તોએ ભારતીય ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો જેમાં રૂપિયા ૧૦થી લઈને ૨૦૦૦ સુધીની નોટો ઊડી હતી. આ સાથે અમેરિકાથી ખાસ આવેલા પટેલ પરિવાર દ્વારા અમેરિકી ડૉલરનો વરસાદ કરવામાં આવ્યો હતો.

વાંઝણા ગામે ૭ વર્ષથી મા ભગવતી ધામ રાજરાજેશ્વરી મેલડી માતાનું મંદિર આવ્યું છે જે ચીખલી તાલુકા અને નવસારી જિલ્લાના લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આ મંદિરના લાભાર્થે ભગવતી ધામના વિજયબાપુ દ્વારા કચ્છની કોયલ તરીકે જાણીતી લોકગાયિકા ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરાની શરૂઆત થતાંની સાથે જ ગીતા રબારી પર ઉપસ્થિત લોકોએ ૧૦, ૨૦, ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

આ ડાયરામાં ગીતા રબારી દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા માટે ઉપસ્થિત ભક્તોને કાપડની થેલીનું વિતરણ કરીને નો-પ્લાસ્ટિકનો સંદેશ આપ્યો હતો.

gujarat navsari