નવરાત્રી પ્રેરણા: શારીરિક વિકલાંગતા મનોબળ અને જુસ્સાને વિકલાંગ નથી કરી શકતી

26 September, 2022 10:00 AM IST  |  Junagadh | Nirali Kalani

આજે જાણીશું વંદના બહેનની કહાની. રાજકોટના વંદના બહેનની કહાની કોઈ પણ કઠિન પરિસ્થિતમાં જીવનને હિંમત અને સકારાત્મક સાથે જીવવાની પ્રેરણા પુરી પાડે છે. વંદનાબહેન જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડાઈ રહ્યાં છે.

તસવીરઃ ગુજરાતી મિડ-ડે

નવરાત્રીનો તહેવાર એટલે મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર, નવરાત્રી એટલે આસ્થાનું પ્રતિક, નવરાત્રી એટલે અંધકારનો અંત અને પ્રકાશનો પ્રારંભ, નવરાત્રી એટલે સાહસ, શક્તિ અને પ્રેરણાની ગાથા, અને આજે આ તહેવારનો આરંભ થઈ ચૂક્યો છે. આ પાવન અવસર પર આપણે જાણીશું દેવી સમાન એવી મહિલાઓની ગાથા જેમણે સાહસ, શક્તિ અને પ્રેરણા બની જીંદગીને એક અવસર બનાવ્યો છે. આ મહિલાઓનું સાહસ અને હિમત આપણને ખરા અર્થમાં મહિલાઓની શક્તિથી અવગત કરાવે છે. તો ચાલે જાણીએ આ મહિલાઓની કહાની જે સાહસ શક્તિ અને પ્રેરણા છે બની... 

સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડિત

bxવંદના બહેન

આજે જાણીશું વંદના બહેનની કહાની. રાજકોટના વંદના બહેનની કહાની કોઈ પણ કઠિન પરિસ્થિતમાં જીવનને હિંમત અને સકારાત્મક સાથે જીવવાની પ્રેરણા પુરી પાડે છે. વંદનાબહેન જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડાઈ રહ્યાં છે. આ એક એવી બિમારી છે જેમાં દર્દી તેના શરીર પરનો કાબૂ જાળવી શકતા નથી. આ બીમારીનો કોઈ ઇલાજ પણ નથી. મહત્વની વાત એ છે કે આ તકલીફ હોવા છતાં વંદનાબહેને ક્યારેય ના તો હાર માની છે કે ના તો ક્યારેય જીવન જીવવાનો જુસ્સો ઓછો થયો છે. 

માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યાં બાદ બન્યાં આત્મનિર્ભર

42 વર્ષીય વંદના બહેન જેતપુરમાં રહે છે અને ઝેરોક્ષની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી તો શિક્ષિકા  માતા પણ ત્રણ વર્ષ પહેલા દુનિયા છોડીને જતા રહ્યાં. હા, આ સમયે વંદના બહેન પર જાણે આભ ફાટી પડ્યું હતું પરંતુ તેમ છતાં તેમણે પોતાની દુનિયા જીવંત રાખી અને હિંમત જાળવી આગળ વધ્યા. હાલમાં વંદના બહેન એકલા જ રહે છે, ભાઈ અને ભાભી છે પરંતુ તેમને કંઈ પડી નથી. વંદના બહેને પીજીડીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેથી તેઓ જાતે દુકાન ચલાવીને આત્મનિર્ભર બન્યાં છે. ઝેરોક્ષની દુકાન ચલાવવા સાથે સાથે તે લોકોના નાના-મોટા ઓનલાઈન કામ કરી કમાણી કરે છે.

વંદના બહેનના ઘરની નજીક જ તેમના પિતાના એક મિત્ર અશોક મહેતા રહે છે, જે તેમની સાર સંભાળ રાખે છે.અશોક મહેતાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવ્યું હતું,`વંદના આત્મનિર્ભર બની સમાજમાં એક ઉદાહરણ પુરૂ પાડવા માંગે છે. તે માને છે કે જીવનમાં ગમે તવી કઠિન પરિસ્થિતિ આવે હાર ન માનવી જોઈએ. સાહસ અને નીડરતાથી મુશ્કેલીનો સામનો કરી ભગવાને ભેટ સ્વરુપ આપેલા જીવનનું મહત્વ ભુલવું ન જોઈએ.` વંદના બહેન પોતાની જાતે ભોજન લઈ શકતા નથી, તેથી અશોક ભાઈ તેમના ઘરે જઈ તેમને ખવડાવે છે. તેમજ નાની- મોટી મદદમાં હંમેશા હાજર રહે છે.

બિગ બીને મળવાનું છે સપનું

વંદના બહેનના ઘરની દિવાલો પર લાગેલી અમિતાભ બચ્ચનની તસવીરો

વંદના બહેનને બોલવામાં થોડી મુશ્કેલી પડે છે. જો કે તેમ છતાં તેમણે મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી હતી. તેમના સપના વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે તેમનું સપનું અમિતાભ બચ્ચનને મળવાનું છે. તે બિગ બી ના બિગ ફેન છે. વંદના બહેને અમિતાભને અનેક પત્રો લખ્યા છે અને તેમની લાગણી વ્યક્ત કરી છે. નવાઈની વાત એ છે કે અમિતાભ બચ્ચને પણ આ પત્રોના વળતાં જવાબ આપ્યા છે, અને તેમની સાથે ફોનમાં વાત કરી છે. 

વંદના બહેનની કહાની એવા તમામ લોકોને સાહસ પુરૂ પાડે છે જે જીવનથી હારી ગયા છે, એવા તમામ લોકોને શક્તિ આપે છે જે પડકારથી ડરે છે, તેમજ એવા લોકો માટે પ્રેરણારૂપ છે જે શારીરિક રીતે વિકલાંગ છે. શારીરિક વિકલાંગતા જીવનના મનોબળ અને જુસ્સાને વિકલાંગ બનાવી શકતી નથી.   

 

gujarat news gujarat rajkot navratri