રાજકોટથી લોકસભા નહીં લડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

14 March, 2019 03:16 PM IST  |  રાજકોટ

રાજકોટથી લોકસભા નહીં લડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદી અને બાબુભાઈ જેબલિયા(તસવીર સૌજન્યઃફેસબુક)

વડાપ્રધાન મોદી વારાણસીના બદલે રાજકોટથી લોકસભાની ચૂંટણી લડે તેવી ચર્ચા ચાલતી હતી. જો કે ગુજરાત ભાજપના નીરિક્ષક બાબુભાઈ જેબલિયાએ આ વાતને ફગાવી દીધી છે. ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવા માટે પહોંચેલા નીરિક્ષક બાબુભાઈ જેબલિયાએ મીડિયા સાથે વાત કરતા નરેન્દ્ર મોદીની રાજકોટથી ચૂંટણી લડવાની વાતને પાયાવિહોણી ગણાવી દીધી.

નીરિક્ષક બાબુભાઈ જેબલિયાએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડે તે વાત સાચી નથી. અહીંથી બીજા કેટલાક કાર્યકર્તાઓ જે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે, તેમની પસંદગી થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી વડાપ્રધાન મોદી રાજકોટથી ચૂંટણી લડે તેવી ચર્ચા શરૂ થઈ હતી.

પ્રદેશ ભાજપે રાજ્યની 26 લોકસભા બેઠક પર ઉમેદવાર શોધવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે કાર્યકર્તાઓની સેન્સ લેવાની જવાબદારી દરેક બેઠક દીધ 3-3 નીરિક્ષકોને સોંપી છે. રાજકોટ લોકસભા બેઠક માટે બાબુભાઈ જેબલિયા, નરહરિ અમીન અને જયાબેન ઠક્કરને ઉમેદવાર પસંદ કરવાની જવાબદારી સોંપાઈ છે. આ ત્રણેય નીરિક્ષકોએ આજે રાજકોટ પહોંચીને કાર્યકર્તાઓ અને આગેવાનોને સાંભળ્યા હતા.

તો વડાપ્રધાન મોદીના રાજકોટથી લડવા અંગે નરહરી અમીને કહ્યું કે વડાપ્રધાન મોદી નક્કી કરશે કે તેમણે ક્યાંથી ચૂંટણી લડવી છે ? તેઓ ઈચ્છે ત્યાંથી લડી શકે છે. જો પીએમ મોદી સૌરાષ્ટ્રથી લડે તો તેનો ફાયદો રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રને થશે.

 

gujarat rajkot Gujarat BJP Election 2019 narendra modi