એક પણ પોલિંગ બૂથ હારવું નથી, આ વખતે વાવાઝોડું આવવાનું છે

25 November, 2022 11:46 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં ચૂંટણીસભાને સંબોધતાં આમ કહ્યું નરેન્દ્ર મોદીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદ ઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ચૂંટણીસભાને સંબોધતાં બીજેપીના કાર્યકરોને આહવાન કરતાં અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘પોલિંગ બૂથ જીતવું એ જ લક્ષ્ય છે આ વખતે. એક પણ પોલિંગ બૂથ હારવું નથી. આ વખતે વાવાઝોડું આવવાનું છે, ચમકારો દેખાય છે.’
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બૅકટુબૅક પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં ચૂંટણીસભાને સંબોધી હતી. તેમણે આ ચૂંટણીસભાઓને સંબોધતાં કહ્યું કે ‘આ ચૂંટણી આગામી ૨૫ વર્ષ ગુજરાતનાં કેવાં હશે એ નક્કી કરવાની ચૂંટણી છે. આપણું ગુજરાત વિકસિત ગુજરાત બને, દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં આપણે ક્યાંય પાછળ ન પડીએ એ માટે કમર કસી છે. આ ચૂંટણી એનો નિર્ણય કરવા માટેની છે. વિકાસના તો એટલાં બધાં કામ થયાં છે કે તમે ગણ્યા જ કરો, ખૂટે નહીં. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કામ કરવાનું છે. વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતનું સપનું સાકાર થાય એ માટે કામ કરી રહ્યા છીએ.’ 
તેમણે કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરતાં આહવાન કર્યું હતું કે ‘પોલિંગ બૂથમાં જેટલું મતદાન પહેલાં થયું હોય એના કરતાં વધારે મતદાન કરાવવું છે. એક-એક પોલિંગ બૂથમાં વધુમાં વધુ મતદાન થવું જોઈએ. લોકતંત્ર મજબૂત થવું જોઈએ, બીજેપી પણ મજબૂત થવી જોઈએ. કમળ નીકળવું જોઈએ. દરેકેદરેક પોલિંગ બૂથમાંથી કમળ જીતે એવું થશે. દરેકેદરેક પોલિંગ બૂથમાં આપણે જીતવું છે. આ વખતે પોલિંગ બૂથ જીતવું એ જ લક્ષ્ય છે. એક પણ પોલિંગ બૂથ હારવું નથી. કરશો બધા મહેનત?’
બાવળાની ચૂંટણીસભામાં કૉન્ગ્રેસ પર આક્ષેપ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘પૂજ્ય મહાત્મા ગાંધી કહેતા હતા કે ભારતનો આત્મા ગામડામાં વસે છે, પણ અમારા કૉન્ગ્રેસવાળા ગાંધીજીને તો બધી રીતે ભૂલી ગયા. તેમણે તો આ આત્માને જ કચડી નાખ્યો. ગામડાઓની જે ઉપેક્ષા થઈ, ગામડાંઓ પ્રત્યે ઉદાસીનતા રહી એને કારણે ગામડાંઓનું સામર્થ્ય જે રીતે બહાર આવવું જોઈએ એ આવ્યું જ નહીં.’

gujarat election 2022 gujarat elections narendra modi