ગાંધીનગર: BJP સરકારની સામે મેદાને પડ્યા પ્રહ્લાદ મોદી

22 February, 2019 07:46 AM IST  |  ગાંધીનગર

ગાંધીનગર: BJP સરકારની સામે મેદાને પડ્યા પ્રહ્લાદ મોદી

વડા પ્રધાન મોદીના ભાઈ પ્રહ્લાદ મોદી

ગુજરાતની BJP સરકાર સામે મોદીએ બાંયો ચડાવી છે. વાત એમ છે કે વડા પ્રધાન મોદીના ભાઈ પ્રહ્લાદ મોદી ગુરુવારથી બે દિવસ માટે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે રૂપાણી સરકાર સામે ધરણાં પર બેઠા છે. પ્રહ્લાદ મોદી ગુજરાત રાજ્યના બાવીસ હજાર ફેરપ્રાઇસ શૉપઓનર્સ અસોસિએશનના પ્રમુખ છે અને પડતર માગણીઓના મુદ્દે આ આંદોલન કરી રહ્યા છે. મોદીએ ચેતવણી આપી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી ૧ માર્ચથી ગુજરાતમાં તમામ રૅશન ડીલરો પોતાની દુકાન બંધ રાખીને આંદોલનને ઉગ્ર બનાવશે. ઉલ્લેખનીય છે કે મોદીની સાથે ગુજરાતના હજારો રૅશન ડીલરો પણ આ ધરણાંમાં જોડાયા છે.

અસોસિએશનના પ્રમુખ પ્રહ્લાદ મોદીએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં સરકાર સમક્ષ મૂકેલી માગણીઓ ગણાવી હતી.

૧) સરકાર દ્વારા વાજબી ભાવની દુકાનના દુકાનદારોને પોષણક્ષમ કમિશન મળે અથવા ગવર્નમેન્ટ સર્વન્ટ જાહેર કરે.

૨) દુકાનની અંદર અમને મદદરૂપ થતા કમ્પ્યુટર ઑપરેટર અને તોલાટના પગારની જવાબદારી સરકાર સ્વીકારે.

૩) સરકાર દુકાનનું ભાડું આપે સાથે-સાથે અમારા દુકાનદારોની હેલ્થ બાબતે, બાળકોને ભણાવવા ઓછા વ્યાજે લોન આપે.

૪) ઉપરોક્ત મુદ્દાઓ સહિત કુલ ૧૩ મુદ્દા સરકારને લખીને આપ્યા છે. વારંવાર રજૂઆત કરી પણ સરકારના ધ્યાન આપતી નથી.

પ્રહ્લાદ મોદીએ જણાવ્યું કે ગયા ત્રણ વર્ષથી માગણી કરી રહ્યા છીએ, ગઈ ચૂંટણી પહેલાં કમિશનમાં ૧૫ પૈસા વધારો આપ્યો હતો. પછી ૨૩ પૈસાનો વધારો કર્યો, પણ બીજા લાભો જાહેર કર્યા નથી. જ્યાં સુધી સરકાર અમને સંપૂર્ણ રીતે સાંભળીને અમને ન્યાય નહીં આપે તો ૧ માર્ચથી ગુજરાતની બધી જ વાજબી ભાવની દુકાનોના દુકાનદારો દુકાનો બંધ રાખશે એવી જાહેરાત કરીશું. ગુજરાતમાં ૧૭ હજાર વાજબી ભાવની દુકાનો તેમ જ કેરોસીન લાઇસન્સ હોલ્ડરો સાથે કુલ બાવીસ હજાર જેટલા સભ્યો છે.

આ પણ વાંચો : સરદાર પટેલ પર નેતા વિપક્ષના નિવેદનનો વિરોધ, ભાજપે કર્યા દેખાવો

વડા પ્રધાનના ભાઈ પ્રહ્લાદ મોદીને પૂછવામાં આવ્યું કે તમે વડા પ્રધાન નરેન્દ્રભાઈના ભાઈ છો એવા સમયે આંદોલન કરી રહ્યા છો? ત્યારે તેમણે કહ્યું હતું કે અમારો પરિવાર પરિવારવાદમાં માનતો નથી. હું દુકાનદાર છું એટલે વાત કરુ છું. હું વાજબી ભાવની દુકાનનો દુકાનદાર છું, આજે પણ છું અને ભૂતકાળમાં પણ હતો.

narendra modi gandhinagar gujarat