ગુજરાતથી આવતા નંદન કુરીયરના ટેમ્પોમાંથી 2 કરોડનો ગુટખાનો જથ્થો ઝડપાયો

17 June, 2019 05:13 PM IST  |  મુંબઈ

ગુજરાતથી આવતા નંદન કુરીયરના ટેમ્પોમાંથી 2 કરોડનો ગુટખાનો જથ્થો ઝડપાયો

Mumbai : ગુજરાતની જાણીતી કુરીયર સર્વિસ નંદન કુરીયરનું નામ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતથી મહારાષ્ટ્ર આવતા નંદન કુરીયરના ટેમ્પોમાં ગેરકાયદે ગુટખાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને મુંબઇની વિલે પાર્લે પોલીસે તેને સીઝ કર્યો છે. પ્રાથમીક તપાસમાં આ ગુટખાનો જથ્થો 2 કરોડનો હોવાનું પોલીસ જણાવી રહી છે.


આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા નંદન કૂરિયરના ટેમ્પોમાંથી મોટા પ્રમાણમાં ગુટખાનો જથ્થો જણાઈ આવતા પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે નંદન કૂરિયરના ટેમ્પોને ચકાલા ખાતે આંતરવામાં આવ્યો હતો અને ડ્રાઈવર સહિત ટેમ્પોમાં હાજર શખ્સોની પૂછપરછ કરવામાં આવતા ટેમ્પોમાંથી ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો.


છેલ્લા ઘણા સમયથી ગુટખાની હેરાફેરી કરતું હોવાની પોલીસને શંકા હતી

પોલીસ સૂત્રો મુજબ નંદન કૂરિયર દ્વારા પાછલા કેટલાક સમયથી ગુટખાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી અને બાતમીના આધારે વિલે પાર્લેની પોલીસે વોચ ગોઠવી નંદન કૂરિયરના ટેમ્પોમાંથી ગુટખાના જથ્થાને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો : રાજકોટઃ દેવામાં ડૂબેલા વેપારીની નકલી નોટો છાપવા બદલ ધરપકડ

મહારાષ્ટ્રમાં ટુંક સમયમાં લાગશે ગુટખા પર સંપુર્ણ પ્રતિબંધ
મળી રહેલ માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં જુલાઇ દરમ્યાન ગુટખાના ખરીદ-વેચાણ અને ખાવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવશે. પોલીસે નંદન કૂરિયર સામે ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. નંદન કૂરિયરની આવા પ્રકારની ગતિવિધિને લઈ પોલીસ પણ ચોંકી ગઈ છે. ગુટખાના કારણે કેન્સરનો રોગ થાય છે અને દર વર્ષે લાખો લોકો આ રોગમાં મરણને શરણ થતાં હોવાથી મહારાષ્ટ્રમાં ગુટખાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

gujarat mumbai news Crime News