વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ૧૦૮ ઋષિકુમારો વચ્ચે યોજાઈ મૃત્યુંજય સ્પર્ધા

18 August, 2026 10:31 AM IST  |  Vadnagar | Gujarati Mid-day Correspondent

શુક્લ યજુર્વેદ સંહિતા અને શિવ મહિમ્ન સ્તોત્ર કંઠસ્થ કરવાના વિષય પર શ્રાવણોત્સવ અંતર્ગત શરૂ થઈ હરીફાઈ

મહામૃત્યુંજય સ્પર્ધામાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ.

ઉત્તર ગુજરાતના વડનગરમાં આવેલા ઐતિહાસિક હાટકેશ્વર મંદિર પરિસરમાં ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વડનગર શ્રાવણોત્સવ અંતર્ગત મૃત્યુંજય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈ કાલે ૧૦૮ ઋષિકુમારોએ મંત્રજાપ અને સ્તોત્રગાન કરતાં વાતાવરણમાં આધ્યત્મિક્તાનો માહોલ સર્જાયો હતો અને ઉપસ્થિત સૌકોઈ શિવમય બન્યા હતા. 

કમિશનર શાળાઓની કચેરીના નાયબ નિયામક કિશન વસાવાએ કહ્યું હતું કે ‘આ સ્પર્ધામાં શુકલ યજુર્વેદ સંહિતા અને શિવ મહિમ્ન સ્તોત્ર કંઠસ્થ કરવાના વિષય પર ૧૦૮ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. રાજ્યના વિવિધ ઝોનમાંથી પસંદગી પામેલા વિજેતા વિદ્યાર્થીઓ અને વડનગરની શાળાઓનાં બાળકો વચ્ચે ચાર તબક્કામાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો સેમી-ફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ ૩૧ ઑગસ્ટે યોજાશે.’

ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા પ્રત્યે વધશે અભિરુચિ   

વડનગરના ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ વચ્ચે ચાર ઝોનમાં મહામૃત્યુંજય સ્પર્ધા યોજાશે જે અંતર્ગત ગઈ કાલે ઝોન અેક અને બેના ૧૦૮ વિદ્યાર્થીઓ વચ્ચે મહામૃત્યુંજય સ્પર્ધા યોજાઈ હતી. આ વૈદિક મંત્રજાપ સ્પર્ધા દ્વારા નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરુચિ વધશે. આ કાર્યક્રમમાં વડનગર નગરપાલિકાનાં પ્રમુખ મિતિકા શાહ, ખેરાલુના વિધાનસભ્ય સરદાર ચૌધરી, શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

gujarat news gujarat sabarkantha religious places