મધ્ય પ્રદેશ હનીટ્રૅપ કેસમાં મોસ્ટ વૉન્ટેડ જિતુ સોનીની ગુજરાતમાંથી ધરપકડ

29 June, 2020 06:15 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશ હનીટ્રૅપ કેસમાં મોસ્ટ વૉન્ટેડ જિતુ સોનીની ગુજરાતમાંથી ધરપકડ

મધ્ય પ્રદેશ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. લાંબા સમયથી ફરાર આરોપી જિતુ સોનીને ઝડપી પાડવામાં આવ્યો છે. ઇન્દોર પોલીસે કાર્યવાહી કરતાં જિતુ સોનીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઇન્દોર ડીઆઇજી હરિનારાયણ ચારીએ જિતુ સોનીની ધરપકડની પુષ્ટિ કરી છે.

જિતુ સોની ૪૫ ગુનામાં ફરાર હતો અને મધ્ય પ્રદેશ પોલીસે તેના પર દોઢ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. થોડા દિવસો પહેલાં જ જિતુ સોનીના ભાઈ મહેન્દ્ર સોનીને પણ પોલીસે ગુજરાતમાંથી ઝડપી પાડ્યો હતો. મહેન્દ્ર સોનીની ધરપકડના ૪ દિવસોમાં જિતુ સોનીની પણ ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. જિતુ સોનીની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચની બારથી વધુ ટીમોએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા.

ઉદ્યોગપતિ અને મીડિયા સંસ્થાના માલિક જિતુ સોનીના અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. જિતુ સોનીની ‘માય હોમ’નામની હોટેલ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને જિતુ સોનીના ઘરેથી ૩૬ જીવતી કારતૂસ મળી આવી હતી.

જિતુ સોનીના ઠેકાણા પર દરોડા દરમિયાન એવી અનેક ચીજો મળી હતી જેનાથી તેનાં કાળાં કામોનો પર્દાફાશ થયો હતો. એમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ અને જમીનના દસ્તાવેજો છે. જિતુના ઘરેથી ૩૦થી વધુ પ્લૉટના રજિસ્ટ્રીના કાગળ મળ્યા હતા. જોકે એ અન્ય કોઈના નામે હતા. આ મિલકતોની કિંમત ૧૫૦ કરોડ રૂપિયાની આસપાસ થવા જાય છે.

gujarat madhya pradesh