બે ગુજરાતીઓના હાથમાં દેશની કમાન, માંડવિયા-રૂપાલાને મળ્યા આ ખાતા

31 May, 2019 02:28 PM IST  |  નવી દિલ્હી | ફાલ્ગુની લાખાણી

બે ગુજરાતીઓના હાથમાં દેશની કમાન, માંડવિયા-રૂપાલાને મળ્યા આ ખાતા

બે ગુજરાતીઓના હાથમાં દેશની કમાન(તસવીર સૌજન્યઃ ANI)

દેશના નંબર 1 અને નંબર 2 એટલે કે ટોચના 2 લોકો ગુજરાતી છે. સાથે જ વધુ 2 ગુજરાતીઓને મોદીના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી વાર વડાપ્રધાનનું પદ સંભાળ્યું છે. તો રાજ્યના ગૃહમંત્રી રહી ચુકેલા અમિત શાહ હવે દેશના ગૃહમંત્રી છે. આ રીતે જોવા જઈએ તો દેશના સૌથી મહત્વના અને મોભાદાર એવા બે પદ બે ગુજરાતીઓ પાસે છે.

વડાપ્રધાન પાસે છે આ ખાતાઓ પણ
વડાપ્રધાન મોદી પાસે પર્સનલ, જન ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલયની સાથે સાથે જે ખાતાઓની ફાળવણી કોઈને પણ નથી કરવામાં આવી તેવા ખાતાઓ વડાપ્રધાન મોદી પાસે છે.

અમિત શાહની ચાવીરૂપ ભૂમિકા
ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને 2019 લોકસભા ચૂંટણીની જીતના શિલ્પી અમિત શાહને ગૃહમંત્રાલય ફાળવવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ સાથે અમિત શાહ સમન્વયની જવાબદારી પણ સંભાળશે. એટલે કે અન્ય ખાતાઓની કામગીરી પર નજર રાખશે અને તેમના કામ માટે સૂચન પણ કરશે. અમિત શાહ આ વખતે ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા જ્યાં તેમનો 5 લાખ કરતા વધુ મતથી વિજય થયો છે.
અમિત શાહ સ્મૃતિ ઈરાનીની સાથે ગુજરાતથી રાજ્યસભાના સભ્ય પણ હતા. પરંતુ ગાંધીનગરથી સાંસદ તરીકે ચુંટાયા બાદ તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. અમિત શાહ ભુતકાળમાં ગુજરાતના ગૃહમંત્રી તરીકે પણ કામ કરી ચુક્યા છે. અને મોદી સરકારમાં તેમની ભૂમિકા ચાવીરૂપ રહેશે.

મનસુખ માંડવિયાને મળ્યું આ ખાતું
મનસુખ માંડવિયા ગુજરાતથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ 2012થી રાજ્યસભાના સાંસદ છે. મોદી સરકારની નવી કેબિનેટમાં તેમને શિપિંગ મિનિસ્ટ્રી સાથે કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ મિનિસ્ટ્રી આપવામાં આવી છે. તેમની પાસે પહેલી મોદી સરકારમાં પણ આ ખાતા હતા. તેઓ મોદી સરકાર યુવા સાંસદોમાંથી એક છે.

પરષોત્તમ રૂપાલાને રાજ્યકક્ષાનો હવાલો
પરષોત્તમ રૂપાલાને કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. 2016થી રૂપાલા રાજ્યસભાના સભ્ય છે. તેમને મોદી સરકારમાં રાજ્યકક્ષાનો હવાલો મળ્યો છે. તેઓ આખાબોલા નેતા તરીકે જાણીતા છે.

આ પણ વાંચોઃ મોદીએ ક્યું મંત્રાલય કોને આપ્યું, જાણો અહીં સત્તાવાર યાદી...

ગુજરાતનું પ્રતિનિધિત્વ
મોદી સરકારમાં ગુજરાતના પ્રતિનિધિત્વની વાત કરીએ તો, ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. એટલે કે ગુજરાતે ભાજપને 26 સાંસદો આપ્યા છે. પરંતુ તેમાંથી માત્ર એક જ સાંસદ એટલે કે અમિત શાહને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
ગુજરાતના રાજ્યસભાના પ્રતિનિધિત્વની વાત કરીએ તો રાજ્યસભાના પાંચ સાંસદોમાંથી બે એટલે કે મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને સ્થાન આપવામાં આવ્યું છે.

narendra modi amit shah gujarat