ગુજરાતમાં એક દિવસ માટે વિદ્યાર્થી બનશે વિધાનસભ્ય

25 May, 2022 09:50 AM IST  |  Mumbai | Shailesh Nayak

વિદ્યાર્થીઓ લોકશાહી પદ્ધતિથી વાકેફ થાય એ હેતુથી ગુજરાતના ૧૮૨ વિદ્યાર્થીઓ એક દિવસ માટે અધ્યક્ષ, મુખ્ય પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને વિધાનસભ્યો બનીને વિધાનસભા ગૃહનું સંચાલન કરી અનુભવ મેળવશે

ફાઈલ ફોટો


અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં ચાલતી કાર્યવાહીનો વિદ્યાર્થીઓ રૂબરૂ અનુભવ કરી શકે અને વિધાનસભા ગૃહનું સંચાલન કેવી રીતે થાય છે તેની સાથે ગુજરાતનો વિદ્યાર્થી વિધાનસભાના કામકાજનો અનુભવ મેળવી શકે તે હેતુથી ગુજરાત એક પહેલ કરવા જઈ રહ્યું છે જેમાં એક દિવસ માટે ગુજરાતના વિદ્યાર્થીઓ વિધાનસભ્ય બનીને વિધાનસભા ગૃહનું સંચાલન કરશે.
ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડૉ. નિમા આચાર્યના માર્ગદર્શનમાં ગુજરાતના ૧૮૨ વિદ્યાર્થીઓ એક દિવસ માટે વિધાનસભ્ય બનીને વિધાનસભા કેવી રીતે ચાલે છે તેનો અનુભવ વિધાનસભા ગૃહમાં બેસીને કરશે. આગામી મહિનામાં વિદ્યાર્થીઓની વિધાનસભાના એક દિવસના સત્રનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાંથી જ કોઈ એક વિદ્યાર્થી મુખ્ય પ્રધાન બનશે અને બીજો વિદ્યાર્થી વિપક્ષી નેતા બનશે જ્યારે એક વિદ્યાર્થી અધ્યક્ષ બનશે. બાકીના વિદ્યાર્થીઓ વિધાનસભ્ય તરીકે ગૃહમાં બેસશે. વિધાનસભાના સત્રની જેમ જ વિદ્યાર્થીઓના એક દિવસના સત્રમાં પણ ઓરિજિનલ સત્રની જેમ જ કાર્યવાહી ચાલશે. વિધાનસભ્યો જેમ ગૃહમાં પ્રેઝન્ટેશન કરે છે તેવી રીતે વિધાનસભ્ય બનેલા વિદ્યાર્થીઓ પણ પ્રેઝન્ટેશન કરે તે દિશામાં આખા દિવસની ગૃહની કામગીરીનો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ લોકશાહી પદ્ધતિથી વાકેફ થાય તે હેતુ આની પાછળનો છે. ગુજરાતના ૧૮૨ વિદ્યાર્થીઓને એક દિવસ માટે વિધાનસભ્ય બનવાની તક મળશે.

gujarat news