આવ્યા, ત્યાં પાછા ચાલ્યા

09 July, 2020 09:00 AM IST  |  Surat | Shailesh Nayak

આવ્યા, ત્યાં પાછા ચાલ્યા

સુરતમાંથી પરિવાર સાથે ઘરવખરી લઈને વતન જઈ રહેલા રત્નકલાકારો.

ગુજરાતમાં આવેલા સુરતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે એક તરફ કોરોનાના સંક્રમણનો ભય અને બીજી તરફ રોજગારી બંધ થતાં છેલ્લા દસેક દિવસથી રત્નકલાકારોએ પરિવાર સાથે સુરતમાંથી હિજરત કરીને વતનની વાટ પકડી છે. અત્યારે બંધ હીરાનાં કારખાનાં ફરી વાર શરૂ થવાનાં એંધાણ હોવા છતાં પણ ઘરવખરી સાથે રત્નકલાકારો સુરત છોડી રહ્યા છે.
સુરતમાં ગઈ કાલ સુધીમાં કુલ કોરોનાના ૬૩૧૩ કેસ નોંધાયા છે અને ૨૪૨ દરદીઓનાં મૃત્યુ થયાં છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે સુરતવાસીઓમાં અને એમાં પણ ખાસ કરીને રત્નકલાકારોમાં એક પ્રકારનો ભયનો માહોલ ઊભો થયો છે. લૉકડાઉન બાદ બજારો ખૂલતાં રત્નકલાકારો કામે લાગ્યા હતા, પરંતુ સુરતમાં કોરોનાના કેસો વધતાં હીરાબજાર બંધ કરવું પડ્યું છે; જેના કારણે રત્નકલાકારોને રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે અને મોંઘવારીમાં પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બનતાં રત્નકલાકારો વતન પાછા ફરી રહ્યા છે. સુરતના કતારગામ, વરાછા, પાલ, અડાજણ, કામરેજ સહિતના વિસ્તારોમાંથી રોજેરોજ રત્નકલાકારો તેમના પરિવાર અને ઘરના સામાન સાથે સુરત છોડીને પોતાના વતન જઈ રહ્યા‍ છે.
જેમ્સ ઍન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રીજનલ ચૅરમૅન દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા દસેક દિવસમાં અંદાજે પાંચ હજારથી વધુ રત્નકલાકાર પરિવારો સુરત છોડીને જતા રહ્યા છે. રત્નકલાકારોને ઇન્કમના સોર્સ ઓછા હોવાથી મુશ્કેલી છે. રત્નકલાકારોમાં ડરનો માહોલ છે. જે સિચુએશન ઊભી થઈ છે એમાં મોંઘા ખર્ચને પહોંચી નહીં વળીએ અને વતન જઈએ તો રાહત રહેશે એવા વિચાર સાથે તેમ જ લૉકડાઉન બાદ બજાર ખૂલ્યા પછી પાછું બંધ થયું એટલે રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે. મોટા ભાગના રત્નકલાકારો ભાડે રહે છે એટલે મકાનભાડું, ખાવાના પૈસા, લાઇટ બિલના પૈસા ચૂકવવાના થાય. બીજી તરફ ગામડે મિનિમમ ખર્ચમાં જીવી શકાય તેમ જ રત્નકલાકારોને નાની-મોટી ખેતી હોય તો જીવનનિર્વાહ ચાલે એટલું મળી રહે એટલે રત્નકલાકારો સુરત છોડીને વતન જઈ રહ્યા છે.’
જે પરિસ્થિતિમાં રત્નકલાકારો ઘરવખરી લઈને સુરતમાંથી સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, બનાસકાંઠામાં પોતાના વતન જઈ રહ્યા છે ત્યારે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા આ રત્નકલાકારો પાસેથી કેટલાક લક્ઝરી બસના સંચાલકોએ તેમની ઘર‍વખરીનું ભાડું નહીં લઈને માનવતાનાં દર્શન કરાવ્યાં છે.

surat gujarat shailesh nayak