પિતાના મૃત્યુ બાદ અમદાવાદ સિવિલમાંથી મેસેજ:દર્દી બીજા વૉર્ડમાં ખસેડાયા

01 June, 2020 04:31 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પિતાના મૃત્યુ બાદ અમદાવાદ સિવિલમાંથી મેસેજ:દર્દી બીજા વૉર્ડમાં ખસેડાયા

સાગર શાહ મૃતક પિતાનો પુત્ર (તસવીર સૌજન્ય વીડિયો)

ગુજરાતમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સિવિલની કેટલીક બેદરકારીઓ પણ સામે આવી રહી છે. ગઈકાલે જ તો હજી એક પરિવારના સભ્યના કોરોનાને કારણે નિધન બાદ તેમની તબિયત સ્થિર હોવાનો મેસેજ આવ્યો હતો. હજી આ ઘટનાને 24 કલાક નથી થયા ત્યારે અમદાવાદના સાગર શાહ નામના વ્યક્તિનો વીડિયો સતીશ જ્હાં નામની વ્યક્તિએ શૅર કર્યો છે. જેમાં સિવિલ હૉસ્પિટલના બીજા ગોટાળા ઉઘાડા પડે છે.

સતીશ જ્હાં નામની વ્યક્તિએ વીડિયો સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, "સાગર શાહ, જેમના પિતા 16મેના રોજ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોવિડ-19ને કારણે ગુજરી ગયા હતા. તેમના વિશે 30મી મેના રોજ ફોન પર મેસેજ આવ્યો કે તેમના પિતાને અન્ય કોવિડ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચોંકાયેલા પરિવારજનો જવાબની રાહ જોઈ રહ્યા છે."

શું છે વીડિયોમાં...
આ વીડિયોમાં સાગર શાહ નામનો યુવક કહે છે કે, "મારા પિતાશ્રી કિશોરભાઈ હિરાલાલ શાહ જેમનું અવસાન તારીખ 16 મે 2020ના રોજ સિવિલ હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં થયું હતું. પરંતુ કાલ સિવિલ હૉસ્પિટલની બેદરકારીથી મારા મોબાઇલમાં એક મેસેજ આવ્યો જેમાં લખ્યું છે કિશોરભાઇ હિરાલાલ શાહ જેઓને જીસીઆરઆઈ સી 5માં 6.38 કલાકે 30મે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. તો હું પ્રભાકર સાહેબને પૂછવા માગું છું તો જે મૃત્યુ પામ્યા છે જેમને અગ્નિદાહ અપાઇ ગયો છે તો મને જવાબ આપો કે તમે કઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી રહ્યા છો, તમે કોને ટ્રાન્સફર કરી રહ્યા છે."

સુપ્રીટેન્ડેન્ટ પ્રભાકર સાહેબ મને આનો જવાબ જોઇએ જોઇએ ને જોઇએ
"તમારી એક ઘોર બેદરકારીના કારણે મારો પરિવાર મુસીબતમાં મૂકાતા મૂકાતા રહી ગયો છે. મને આ બેદરકારીનો જવાબ જોઈએ જોઈએ જોઈએ.. સિવિલ સુપરિટેન્ડન્ટ પ્રભાકર સાહેબ આ બદરકારીનો જવાબદાર કોણે છે? મને જવાબ જોઈએ."

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સિવિલ હૉસ્પિટલમાં આવા બ્લન્ડર થઈ ચૂક્યા છે. સિવિલ હૉસ્પિટલે એક મૃત દર્દીના પરિવારને ફોન કરીને જાણ કરી કે તેમના પરિવારના સભ્યનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તો તમે તેમને લઈ જઈ શકો છો. આ ફોનપરનાં શબ્દો સાંભળી મૃતકના પરિવારજનો આભા બની ગયાં હતાં.

ahmedabad gujarat coronavirus covid19