કોરોના વૉરિયર્સને હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવવાં પડ્યાં

29 May, 2020 02:22 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

કોરોના વૉરિયર્સને હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવવાં પડ્યાં

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોના મહામારીનો સામનો કરવામાં રાજકારણીઓ કરતાં જેઓ સૌથી આગળ છે અને સરકાર જેમને કોરોના વૉરિયર માનીને તેમનું હેલિકૉપ્ટર દ્વારા પુષ્પ વરસાવીને સન્માન કરવામાં અગ્રેસર છે એ જ સરકારની કામગીરી સામે પ્રશ્નાર્થ સમાન કોરોના વૉરિયર એવા ડૉક્ટરોના સંગઠન અમદાવાદ મેડિકલ અસોસિએશન દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં જાહેર હિતની રિટ કરીને તમામ ડૉક્ટરોનું કોરોના-ટેસ્ટિંગ ફરજિયાત કરાવવાની મા‍ગ કરતાં સરકારની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે. નોંધનીય છે કે ચાલુ સપ્તાહમાં જ હાઈ કોર્ટે કોરોનાના મામલે સિવિલ હૉસ્પિટલના અંધેર તંત્ર સામે રૂપાણી સરકારનો બરાબરનો ઊધડો લઈ નાખ્યો હતો અને સિવિલમાં સામાન્ય દરદીની સારવાર માણસ સમજીને કરવી નહીં કે જાનવર સમજીને એવી ગંભીર ટિપ્પણી કરવાની ફરજ પડી હતી. સિવિલ હૉસ્પિટલ કોરોનાના દરદીઓ માટે દોજખ બની ગઈ હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું. હજી આ મામલો થાળે પડે એ પહેલાં ડૉક્ટરોને પોતાના જાનની ખાતર હાઈ કોર્ટમાં જવાની ફરજ પડી છે.

અમદાવાદ મેડિકલ અસોસિએશનનાં પ્રમુખ ડૉ. મોનાબહેન દેસાઈએ જીએનએસ સાથેની એક ખાસ મુલાકાતમાં આ વિશે વિસ્તૃત માહિતી આપતાં કહ્યું હતું કે ‘હા, અમારે ડૉક્ટરોના જાનની સલામતી માટે હાઈ કોર્ટના દરવાજા ખટખટાવવાની ફરજ પડી છે, કેમ કે ગુજરાત સરકાર કોરોનાની સારવાર કરનાર અને કોરોના સિવાયની અન્ય તબીબી સેવા આપનાર ડૉક્ટરોના કોરોના-ટેસ્ટિંગ માટે તૈયાર નથી.’

કેમ રિટ કરવી પડી એ વિશે તેમણે કહ્યું હતું કે ‘કોરોના સામેની લડાઈમાં અમારા પાંચ ડૉક્ટરો શહીદ થઈ ગયા છે. ૪૦થી ૫૦ ડૉક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સરકાર ટેસ્ટિંગ માટે તૈયાર નથી. અમારા પાંચ ડૉક્ટરોનાં કોરોનાથી મોત થયાં છે. શેને માટે? શું કરવાનું અમારે? અમારા ડૉક્ટરોની પણ જિંદગી છે, તેમના ઘરપરિવાર છે. અમે કોરોના માટે કામ કરવાની ના પાડી નથી, પણ જ્યારે ડૉક્ટર એમ કહે કે અમે કોરોનાના પેશન્ટની સારવાર કરીએ છીએ ત્યારે સંભવ છે કે ક્યાંક તેમનો ચેપ લાગી જાય તો? તેથી ડૉક્ટરોની એક જ માગણી છે કે અમારી કેરોના-ટેસ્ટ કરાવો બસ.’

દરદીઓની સારવાર કરનારા ૧૦૦થી વધુ ડૉક્ટરોને કોરોના

કોરોના વાઇરસ સામે યોદ્ધા બનીને દરદીઓનો જીવ બચાવનારા ડૉક્ટર્સ પણ હવે કોરોનાનો શિકાર થઈ રહ્યા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ શહેરમાં જ ચાર ડૉક્ટર્સનાં મોત અને ૧૦૦થી વધુ ડૉક્ટર્સ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે દરદીઓની સારવાર દરમિયાન ડૉક્ટર્સ સહિત ૨૦૦ જેટલી નર્સ અને પૅરામેડિકલ સ્ટાફને પણ સંક્રમણ લાગ્યું છે.

શહેરમાં ફિઝિશ્યન્સ, ઑર્થોપેડિક, સર્જ્યન્સ, ન્યુરો સર્જ્યન્સ, રેડિયોલૉજિસ્ટ, ગાયનેકોલૉજિસ્ટ્સ અને જનરલ સર્જ્યન સૌથી વધારે કોરોના સંક્રમિત થયા છે. એએમએના અધિકારીએ જણાવ્યું કે ચાર ડૉક્ટર્સ ડૉ. આદિત્ય ઉપાધ્યાય, ડૉ. કમલેશ ટેઇલર, ડૉ. રમેશ પટેલ અને ડૉ. એમ. એ. અન્સારીનાં દરદીઓની સારવાર દરમિયાન નિધન થયાં છે.

coronavirus covid19 gujarat ahmedabad gandhinagar