સુરતના ગુજરાતીએ જગતમાં વગાડ્યો ભારતનો ડંકો

05 January, 2020 08:22 AM IST  |  surat | Tejash modi

સુરતના ગુજરાતીએ જગતમાં વગાડ્યો ભારતનો ડંકો

માનવ ઠક્કર

ક્રિકેટ સિવાયની અન્ય રમતોમાં પણ હવે ભારતીયો પોતાનું નામ દુનિયામાં ચમકાવી રહ્યા છે અને એમાં પણ ટેબલ ટેનિસ જેવી રમતમાં કોઈ ગુજરાતી કાઠું કાઢે તો પીઠ થાબડવા જેવી વાત તો કહી જ શકાય. સુરતના હરમીત દેસાઈ બાદ હવે માનવ ઠક્કર ટેબલ ટેનિસની અન્ડર-૨૧ કૅટેગરીનો દુનિયાનો નંબર-વન ખેલાડી બન્યો છે, જેની જાહેરાત ખુદ ઇન્ટરનૅશનલ ટેબલ ટેનિસ ફેડરેશને કરી છે. અત્યાર સુધી માનવ રૅન્કિંગ્સમાં બીજા ક્રમે હતો, પણ નવા જાહેર થયેલા રૅન્કિંગ્સમાં તેણે ચાઇનીઝ તાઇપેઇના લી સિન યાંગને પાછળ ધકેલીને ટોચનો ક્રમ હાંસલ કરી લીધો છે.

૧૯ વર્ષનો માનવ ઠક્કર મૂળ સુરતનો છે. હાલમાં તે ટ્રેઇનિંગમાં હોવાથી તેની સાથે વાત થઈ શકી નહોતી, પરતું અમે તેના પપ્પા ડૉ. વિકાસ ઠક્કર સાથે વાત કરી હતી. ડૉ. વિકાસ કહે છે, ‘હું અને મારી પત્ની બન્ને ટેબલ ટેનિસ રમતાં હતાં, જેથી માનવ પણ શીખ્યો હતો. તે જ્યારે સાડાપાંચ વર્ષનો હતો ત્યારે અમે તેને પહેલી વખત ટેબલ ટેનિસનું રૅકેટ આપ્યું હતું. અમારા ઘરમાં જ ટેબલ હોવાથી શરૂઆતના ૬ મહિના તે ઘરે જ રમ્યો. એ સમય દરમ્યાન તેની ઝડપ અને શીખવાની ધગસ જોયા બાદ અમે તેને સુરતના એક પ્રાઇવેટ કોચિંગ સેન્ટરમાં મૂક્યો હતો, જ્યાં તે પાંચમા ધોરણમાં હતો ત્યાં સુધી શીખ્યો. આ સમય દરમ્યાન તેણે જિલ્લા સ્તરે રમવાનું પણ શરૂ કરી દીધું હતું. તેનામાં ટેબલ ટેનિસ પ્રત્યેનો લગાવ જોઈતે અમે તે છઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યારે અજમેરની ઍકૅડેમીમાં મૂક્યો હતો, જ્યાં ઇન્ટરનૅશનલ કોચ ટ્રેઇનિંગ આપતા હતા. ત્યાં તે બારમા ધોરણ સુધી ભણ્યો. હાલમાં તે એફવાયબીએના બીજા વર્ષમાં છે અને તેણે મેન્સની તમામ કૅટેગરીમાં નંબર-વન હાંસલ કર્યો છે. અત્યારે તે ભારતીય ટેબલ ટેનિસ ટીમનો સભ્ય છે.’
 મહત્ત્વનું છે કે ૨૦૧૮માં માનવે અન્ડર-૧૮માં વર્લ્ડ નંબર-વનનો ખિતાબ હાંસલ કર્યો હતો. તેની રમત સતત સુધરી રહી હતી, પરતું એમ છતાં ડિસેમ્બરમાં તેનું રૅન્કિંગ્સ બગડ્યું હતું. ત્રીજા નંબર પરથી તે સીધો દસમા નંબર પર આવી ગયો હતો. જોકે તેનું ૨૦૧૯નું પ્રદર્શન ખૂબ સરસ હતું.

surat sports news sports tennis news