કમલેશ તિવારીની હત્યાનો સૂત્રધાર બે મહિના પહેલાં જ દુબઈથી સુરત આવ્યો હતો

21 October, 2019 07:56 AM IST  |  સુરત

કમલેશ તિવારીની હત્યાનો સૂત્રધાર બે મહિના પહેલાં જ દુબઈથી સુરત આવ્યો હતો

કમલેશ તિવારી

લખનઉમાં હિન્દુ સંસ્થાના નેતા કમલેશ તિવારીની હત્યાના શંકાસ્પદોમાંનો મુખ્ય સૂત્રધાર રશિદ પઠાણ હત્યાના બે મહિના પહેલાં સુધી દુબઈની એક શોપમાં કમ્પ્યુટર ઑપરેટર તરીકે નોકરી કરતો હતો અને સુરતમાં એક પારિવારિક લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો એમ ગુજરાત એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું.
સુરતના લિંબાયત વિસ્તારમાં ઝિલાની મંઝિલનો રહેવાસી ૨૩ વર્ષીય રશિદ પઠાણ, તેનો ૨૧ વર્ષનો પાડોશી ફૈઝાન અને ૨૪ વર્ષીય મૌલાના સલીમ શેખની શનિવારે ધરપકડ કરી તેમને અમદાવાદ લાવવામાં આવ્યા હતા.
૨૦૧૫માં કમલેશ તિવારીના મુસ્લિમ વિરોધી ભાષણોનો વિડિયો બતાવીને શેખે અન્ય ચાર શકમંદોને ઉકસાવ્યા હતા. રશિદે હત્યાનો કારસો રચ્યો હતો, જ્યારે કે ફૈઝાન મીઠાઈના ડબા ખરીદી લાવ્યો હતો. રશિદ ગુજરાતમાં પાછો ફર્યાના થોડા જ સમયમાં સુરતમાં હત્યાની યોજના ઘડવામાં આવી હોવાનું સુરત ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ મીઠાઈના ડબામાં સંતાડીને હથિયારો કમલેશ તિવારીના ઘરમાં લઈ જવાયાં હતાં. સુરતની સ્થાનિક કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ટ મળ્યા બાદ તેમને લખનઉ લઈ આવવા પોલીસ ટુકડી સુરત જવા રવાના થઈ ચૂકી હોવાનું લખનઉના એસએસપી કલાનીધિ નૈથાનીએ જણાવ્યું હતું.

lucknow surat