ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે

27 March, 2024 08:49 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી પડતા મૂકી દેવાયેલા BJPના આ ઉમેદવારના સમર્થકોનો મોટી સંખ્યામાં મેઘરજ અને મોડાસામાં વિરોધ

BJPના ઉમેદવાર ભીખાજી ઠાકોર

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી પડતા મુકાયેલા BJPના ઉમેદવાર ભીખાજી ઠાકોરના સમર્થનમાં ગઈ કાલે તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં મેઘરજ અને મોડાસામાં વિરોધ કર્યો હતો. અટકના વિવાદને લઈને સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. તેમણે બેઠક છોડતાં કૉન્ગ્રેસમાંથી BJPમાં આવેલાં શોભના બારૈયાને BJPએ ટિકિટ ફાળવતાં સાબરકાંઠામાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. ‘ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે’ એવાં બેનરો સાથે મોડાસામાં આવેલા અરવલ્લી જિલ્લા BJP કાર્યાલય ખાતે તેમ જ મેઘરજમાં ભીખાજી ઠાકોરના સમર્થકોએ રૅલી કાઢીને તેમને ફરી ટિકિટ આપવા માગણી કરી હતી. 

ગાંધીનગરમાં ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે ભીખાજી ઠાકોરે ગઈ કાલે બેઠક કરી હતી. બેઠક બાદ ભીખાજી ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘પાર્ટીનો નિર્ણય મારા માટે માથા પર છે. નારાજ નથી, હું પાર્ટીનું કામ કરીશ અને કાર્યકર્તાઓને સમજાવી દઈશ.’ 

gujarat news Lok Sabha Election 2024 gandhinagar