રાજપૂત સમાજ લાલઘૂમ

29 March, 2024 10:12 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો, નહીં તો ક્ષત્રિયો વિરુદ્ધમાં કરશે મતદાન

પરષોત્તમ રૂપાલા

કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ માટે જાહેરમાં રોટી-બેટીના વ્યવહારની કરેલી વાતથી રાજપૂત સમાજ ખૂબ જ લાલઘૂમ : અમદાવાદમાં ગઈ કાલે મળેલી ગુજરાત રાજપૂત સમાજની જુદી-જુદી ૭૦ સંસ્થાઓની સંકલન સમિતિની બેઠકમાં આગેવાનો લડી લેવાના મૂડમાં જણાયા

કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજપૂત સમાજ માટે જાહેરમાં રોટી-બેટીના વ્યવહારની કરેલી વાતથી રાજપૂત સમાજ લાલઘૂમ થયો છે તેમ જ બેજવાબદાર નિવેદન કરવા સામે રોષે ભરાયો છે અને ઠેર-ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે. એટલું જ નહીં, અમદાવાદમાં ગઈ કાલે મળેલી ગુજરાત રાજપૂત સમાજની જુદી-જુદી ૭૦ સંસ્થાઓની સંકલન સમિતિની બેઠકમાં આગેવાનો પરષોત્તમ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં છે અને પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો, નહીં તો ક્ષત્રિયો વિરુદ્ધમાં મતદાન કરશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે. 

અમદાવાદમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો એકઠા થયા હતા.

અમદાવાદમાં રાજપૂત સમાજ ભવનમાં મળેલી ગુજરાત રાજપૂત સંગઠનોની સંકલન સમિતિની બેઠકમાં રાજકોટના પી. ટી. જાડેજા, વાસુદેવસિંહ ગોહિલ, કરણસિંહ ચાવડા, પ્રદ્યુમનસિંહ જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા સહિત સૌરાષ્ટ્ર-કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતના સુરત સુધીના રાજપૂત આગેવાનો એકઠા થયા હતા. આગેવાનોએ પોતપોતાના મત વ્યક્ત કર્યા હતા અને નિર્ણય કર્યો હતો કે સમાજને BJP સામે વિરોધ નથી, પરંતુ પરષોત્તમ રૂપાલાને નહીં બદલે તો રાજકોટને કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવીશું, એક વિશાળ સંમેલન બોલાવીશું, ઠેર-ઠેર પૂતળાદહન કરીશું એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. પરષોત્તમ રૂપાલાએ જાહેરમાં બોલ્યા પછી રાજપૂત સમાજનો વિરોધનો વંટોળ જોતાં માફી પણ માગી લીધી હતી.

ઉમેદવારી ફૉર્મ ભરવાની તારીખ પહેલાં રૂપાલાને બદલી નાખો : કરણસિંહ ચાવડા 
ગુજરાત ક્ષત્રિય મહાસભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે ‘સમગ્ર ગુજરાતની ૭૦ ઉપરાંત સંસ્થાઓની સંકલન સમિતિની મીટિંગ થઈ જેમાં ચર્ચા-વિચારણાના અંતે નક્કી કર્યું  કે અમે BJP હાઈ કમાન્ડને વિનંતી કરીશું કે પરષોત્તમ રૂપાલાએ વાણીવિલાસ કરીને અમારા સમાજની અસ્મિતા પર ઘા કર્યો છે એટલે ઉમેદવારી-ફૉર્મ ભરવાની તારીખ પહેલાં તેમને બદલી નાખો. BJPએ બે જગ્યાએ ઉમેદવાર બદલ્યા છે તો અહીં બદલશે તો અમે અમારો કાર્યક્રમ પડતો મૂકીશું. BJP સમાધાન માટે બોલાવશે તો તેમની સાથે બેસીશું, પણ અમારી માગણી આ જ રહેશે કે પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો. કાયદાકીય લડત પરષોત્તમ રૂપાલા સામે કરાશે. ચૂંટણીના નિયમ પ્રમાણે મત લેવા કોઈ જ્ઞાતિ-જાતિનો ઉલ્લેખ કરી શકાય નહીં એટલે ચૂંટણીપંચને વિનંતી છે કે આ મેટરને સુઓ મોટો તરીકે લે.’ 

અમદાવાદમાં રાજપૂત સમાજની મહિલાઓએ પરષોત્તમ રૂપાલાના નિવેદન સામે વાંધો ઉઠાવીને વિરોધ કર્યો હતો.

તો આજે તમારા ઘરની બહેન-દીકરીઓ રસ્તા પર નિર્ભય રીતે ફરી ન શકત : તૃ​પ્તિબા રાઓલ
ગુજરાત રાજપૂત સમાજનાં મહિલા પ્રમુખ તૃ​પ્તિબા રાઓલે કહ્યું હતું કે ‘ઇલેક્શનમાં એક જાતિને સારી બતાવવા, વોટબૅન્ક માટે સ્ટેટમેન્ટ આપ્યું એ નિમ્નકક્ષાની રાજનીતિ છે. પરષોત્તમ રૂપાલાને કહેવા માગું છું કે રોટી-બેટીની વાત કરી છે, પણ અમારી રાજપૂતાણીઓએ એ સમયે જૌહર ન કર્યાં હોત તો આજે તમારા ઘરની બહેન-દીકરીઓ રસ્તા પર નિર્ભય રીતે ફરી ન શકત. પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે, ના કરે તો રાજપૂત સમાજ ગ્રાઉન્ડ લેવલે આવીને કામ કરશે. જ્યારે ઇલેક્શન આવે ત્યારે કેટલાક નેતાઓ સામાજિક અસમાનતા ઊભી કરવાનું કામ કરે છે. જો રાજપૂત સમાજ સ્ટૅન્ડ નહીં લે તો આજે એક જણને હિંમત થઈ છે, કાલે બીજા કરશે. સ્વમાનના ભોગે સમાધાન નહીં થાય.’  

વિરુદ્ધમાં મતદાન કરશે એ ૧૦૦ ટકાની ગૅરન્ટી છે : વાસુદેવસિંહ ગોહિલ 
ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે કહ્યું હતું કે ‘પરષોત્તમ રૂપાલાએ રોટી-બેટીના વ્યવહારની વાત કરી છે એ સમાજ ક્યારેય સાંખી લેવા માગતો નથી. કોઈ રીતે સમાધાન માન્ય નથી. BJP પક્ષ સામે વાંધો નથી, વ્યક્તિ સામે વાંધો છે. પરષોત્તમ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈએ નહીં. BJP પરષોત્તમ રૂપાલાને જો ઉમેદવાર રાખશે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને, ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરષોત્તમ રૂપાલાની વિરુદ્ધ મતદાન કરશે એ ૧૦૦ ટકાની ગૅરન્ટી છે. વિરુદ્ધમાં જ મત આપશે, એનું પરિણામ લાવશે. ગુજરાતમાં ૧૭ ટકા જેટલું અમારું મતદાન છે. રાજકોટ જિલ્લામાં ૩થી ૪ લાખ મતદારો છે તે એકતરફી મતદાન કરશે.’  

આ ૨૨ કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે : પી. ટી. જાડેજા 
રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી. ટી. જાડેજાએ કહ્યું હતું કે ‘સમાધાન શા માટે? એના માટે સમાજ ભેગો નથી થયો. આ રાજપૂત સમાજનો પ્રશ્ન નથી, આ ૨૨ કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. ૨૨ કરોડ ક્ષત્રિય વિશે જે ટિપ્પણી પરષોત્તમ રૂપાલાએ કરી એ માફ કરી શકાય એમ નથી. રાજકીય આગેવાનો પરષોત્તમભાઈને સમજાવે કે રાજી ખુશીથી તમે હટી જાઓ, બીજાને ટિકિટ આપો, અમને શા માટે સમજાવે છે? હમણાં રામમહોત્સવ મનાવ્યો, અમે એ પ્રભુ શ્રીરામના વારસદાર છીએ.’

gujarat news Lok Sabha Election 2024 Gujarat BJP national news