લૉકડાઉન: સમૂહમાં નમાઝ અદા કરનાર બે પોલીસ સસ્પેન્ડ

05 April, 2020 07:10 AM IST  |  Ahwa | Ronak Jani

લૉકડાઉન: સમૂહમાં નમાઝ અદા કરનાર બે પોલીસ સસ્પેન્ડ

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર વિશ્વ કોરોનાના ચપેટમાં છે ત્યારે સરકાર દ્વારા ધારા ૧૪૪ લગાવી ૪ કરતાં વધારે લોકો ભેગા ન થાય એ માટે અવારનવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાની સૂચના આપવામાં આવી રહી છે ત્યારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ચોંકાવનારો કિસ્સો બહાર આવતાં કાયદાજગતમાં તર્ક-વિતર્ક સેવાઈ રહ્યા છે. આહવા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ પોતાની ફરજ ભૂલતાં તેઓની ભૂલ બહાર આવી ગઈ અને વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યાર બાદ બન્ને અધિકારીઓ દોષી ઠર્યા હતા.

વિગત મુજબ રાજ્યમાં કોરોનાને લઈને ધારા ૧૪૪ લગાવવામાં આવી છે જેમાં ૪ કરતાં વધુ વ્યક્તિઓ ભેગી ન થઈ શકે અને થાય તો એ કાયદા પ્રમાણે ગુનો ગણાય છે ત્યારે આ જ ભૂલ કરી બેઠા આ બન્ને અધિકારીઓ.

આહવા ખાતે આવેલી મસ્જિદમાં ઝુંડમાં નમાઝ પઢતા ઝડપાયા હતા.

આ બન્ને અધિકારીઓની ફરજ સુબીર ખાતે હતી જ્યારે બન્ને પોલીસ-કર્મચારી મનસ્વી રીતે આહવા કલેક્ટર કચેરી ખાતે આવેલ મીસ્જિદમાં તેઓ અને મૌલવી તથા અન્યો ઇસમો એક ગ્રુપમાં નમાઝ અદા કરતા હતા. આ માહિતી સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરકાર તરફથી જાહેરનામાનો ભંગ અને નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ ૨૦૦૫ના સૂચનનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમ જ અન્યો વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-બી તેમ જ નૅશનલ ડિઝૅસ્ટર ઍક્ટ ૨૦૦૫ની કલમ ૫૧ (બી) મુજબનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

gujarat coronavirus covid19