ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી ખુશી

10 June, 2020 08:07 PM IST  |  Junagadh | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી ખુશી

તસવીર સૌજન્ય: ટ્વીટર

ગુજરાત ગીરની ઓળખ સમા સિંહની સંખ્યામાં વધારો થતા ગુજરાતવાસીઓ ગર્વ અનુભવી રહ્યાં છે. એશિયાટીક સિંહો માત્ર ગુજરાતમાં રહ્યા છે. તેમાય ગીર જંગલ, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, ભાવનગર સહિતના જિલ્લામાં સિંહોનો વસવાટ છે. 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે સિંહની સંખ્યા 523 હતી. 2020માં સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા 674 થઇ છે. આથી પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં 151 સિંહનો વધારો થયો છે. આ બાબતની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધે છે અને ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે.

ગુજરાતના પ્રયાસોને વિરદાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં કહ્યું હતું કે, ગુજરાતના એશિયાટિક સિંહોની વસ્તી વધી છે. ગીર જંગલમાં એશિયાટિક સિંહોની વસ્તી લગભગ 29% વધી છે. ભૌગોલિક રીતે, વિતરણ ક્ષેત્રમાં 36% જેટલો વધારો થયો છે. ગુજરાતની જનતા અને તે બધાને જેની કોશિશોથી આ ઉત્તમ પરાક્રમ છે તેમને શુભેચ્છા.

નોંધનીય છે કે, વન વિભાગ દ્વારા પાંચમી તારીખે એટલે પૂનમનાં દિવસે બપોરના 2 વાગ્યેથી છઠ્ઠી તારીખના બપોરના 2 વાગ્યા સુધી એટલે કે 24 કલાક સુધી સિંહ અવલોકન કરવામાં આવ્યું હતું. આમ જોઈએ તો સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે થાય છે. વન વિભાગના સ્ટાફ દ્વારા દર મહિને પૂનમના દિવસે 24 કલાક દરમિયાન સિંહોનું અવલોકન કરવામાં આવે છે. આ અવલોકન છેલ્લા સાત વર્ષથી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સિંહના સંવર્ધનનું કામ જૂનાગઢના નવાબોએ શરૂ કર્યું હતું. તે સમયથી આજ સુધી ગુજરાતમાં સિંહની વસતીમાં સતત વધારો થયો છે. વર્ષ 2015માં છેલ્લે સિંહની ગણતરી થઈ હતી અને તે સમયે 27%નો વસતી વધારો નોંધાયો હતો. વર્ષ 2015ની ગણતરી પ્રમાણે ગુજરાતના આઠ જિલ્લામાં 523 સિંહનો વસવાટ હોવાનું નોંધાયું હતું.

gujarat junagadh narendra modi