બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં જમીન સંપાદનનું કામ કમ્પ્લીટ

28 December, 2023 10:14 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન માટે સુરતમાં એનએચ-૫૩ પર બન્યો ૭૦ મીટર લાંબો પ્રથમ સ્ટીલ બ્રિજઃ મહારાષ્ટ્રમાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ અને શિળફાટા વચ્ચે ૨૧ કિલોમીટર લાંબી ટનલનું કામ શરૂ થયું

સુરત નૅશનલ હાઇવે પર બુલેટ ટ્રેન માટે બનેલો સ્ટીલ બ્રિજ.

અમદાવાદઃ જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એવી અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં ૧૦૦ ટકા જમીન સંપાદનનું કામ પૂરું થયું છે. એટલું જ નહીં, બુલેટ ટ્રેન માટે સુરતમાં એનએચ-૫૩ પર ૭૦ મીટર લાંબો પ્રથમ સ્ટીલ બ્રિજ બન્યો છે તેમ જ મહારાષ્ટ્રમાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ અને શિળફાટા વચ્ચે ૨૧ કિલોમીટર લાંબી ટનલનું કામ શરૂ થયું છે.
બુલેટ ટ્રેન માટે ૨૦૨૩માં થયેલી કામગીરીની વિગતો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલે જાહેર કરીને કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન કૉરિડોર પ્રગતિના ટ્રેક પર છે. ૧૧૫.૮ કિલોમીટર વાયડકટ અને ૨૬૭ કિલોમીટરનું પિયર કા​​સ્ટિંગનું કામ પૂરું થયું છે. ગુજરાત અને ડીએનએચમાં ૧૦૦ ટકા જમીન સંપાદનનું કામ પૂરું થયું છે. મહારાષ્ટ્રમાં ૯૯.૮૩ ટકા સાથે આ પ્રોજેક્ટમાં એકંદરે ૯૯.૯૫ ટકા જમીન સંપાદનનું કામ પૂરું થયું છે. આ ઉપરાંત ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી મળીને કુલ ૮ સ્ટેશનો બનાવવાનું કામ નિર્માણના વિવિધ તબક્કામાં છે. સુરતમાં નૅશનલ હાઇવે-૫૩ પર આ કૉરિડોરનો પહેલો સ્ટીલ બ્રિજ બનાવવાનું કામ પૂરું થયું છે. આ બ્રિજ ૭૦ મીટર લાંબો છે અને એનું વજન ૬૭૩ મેટ્રિક ટન છે. સ્ટીલના આવા કુલ ૨૮ બ્રિજ બનશે, જેમાંથી ૧૬ બ્રિજનું કામ ફેબ્રિકેશનના વિવિધ તબક્કા હેઠળ છે. ૨૮ સ્ટીલ બ્રિજમાંથી ગુજરાતમાં ૧૭ અને મહારાષ્ટ્રમાં ૧૧ બ્રિજ બનશે. આ કૉરિડોરમાં કુલ ૨૪ નદીઓ આવશે, જેમાંથી નવસારી જિલ્લામાં આવેલી પૂર્ણા, મીંઢોલા, અંબિકા અને વેંગણિયા નદી તેમ જ વલસાડ જિલ્લામાં આવેલી પાર અને ઔરંગા નદી પર બ્રિજ બન્યા છે. જ્યારે નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓ પર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ત્રણ સ્ટેશન બોઇસર, વિરાર અને થાણે સહિત બાકીના અલાઇનમેન્ટ માટે જિયોટેકનું કામ પ્રગતિ હેઠળ છે. આ કૉરિડોરમાં ૧૨ સ્ટેશનો હશે, જેમાંથી ૮ ગુજરાતમાં અને ૪ મહારાષ્ટ્રમાં હશે. 

gujarat news bullet train surat shailesh nayak national news