સોમનાથ મંદિર: ભક્તોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો અભાવ,પોલીસે કર્યો લાઠીચાર્જ

21 July, 2020 06:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોમનાથ મંદિર: ભક્તોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો અભાવ,પોલીસે કર્યો લાઠીચાર્જ

ભક્તોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો

પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆતથી જ મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામે છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસ (COVID-19)ને લીધે મોટાભાગના મંદિરો બંધ છે. પણ શ્રાવણ મહિનાને લીધે સોમનાથ મંદિર છુટછાટ સાથે ખોલવામાં આવ્યું છે. મંદિરના તંત્રએ તો સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમ સાથે મંદિર ખોલ્યું હતું પરંતુ ભક્તોએ કોઈ જ નિયમોનું પાલન નહોતું કર્યું અને મોટી સંખ્યામાં મંદિરમાં ભેગા થયા હતા. ભક્તોની ભીડને કાબુમાં લાવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો.

શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે આજે સવારે સોમનાથ મંદિરમાં આરતીના સમયે દર્શનાર્થીઓની ભીડ જામી હતી. સોશ્યલ ડિસ્ટન્સિંગનો અભાવ પણ જોવા મળ્યો હતો. ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. મળતી માહિતી પ્રમાણે, સોમનાથ મંદિરમાં ભક્તોની બહુ જ ભીડ જામી હતી. ધક્કામુક્કી અને ટોળા ભેગા થયાના અનેક દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન એક ભક્તે સુરક્ષાકર્મીને લાફો મારતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

ધક્કામુક્કી અને સોશ્યલ ડિસ્ટન્સિંગના અભાવની દુર્ઘટના બાદ મંદિરના પ્રશાસને એક નિર્ણય લીધો છે. હવેથી ટ્રસ્ટ દ્વારા મહાદેવના દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. પાસ સિસ્ટમ લાગુ કર્યા પછી પણ દર્શન માટે આવતા ભક્તો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવામાં આવશે. નવી પાસ વ્યવસ્થા કઈ રીતે લાગુ કરાશે અને ક્યારથી તેનો અમલ કરાશે તેની વિગતો આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. દર્શનાર્થીઓને પાસ ઓનલાઈન આપવા કે મંદિર સંકુલ પાસેથી જારી કરવા તે વિગતો પણ સાંજે જ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર સવારે 6.30 વાગ્યાને બદલે 6 વાગ્યે ખોલવામાં આવશે. તો સાંજે 7.30 વાગ્યાને બદલે 9.15 સુધી મંદિર ખુલ્લુ રખાશે. જેથી ભક્તો વધુ સમય સુધી દર્શનનો લાભ લઈ શકે.

gujarat coronavirus covid19