રણમાં પાણી ભરાતાં ઘૂડખર અભયારણ્ય પહેલી વાર દિવાળી પછી ખૂલશે

07 October, 2019 07:38 AM IST  |  પાટડી

રણમાં પાણી ભરાતાં ઘૂડખર અભયારણ્ય પહેલી વાર દિવાળી પછી ખૂલશે

કચ્છ ઘુડખર અભયારણ્ય(તસવીર સૌજન્યઃ ગુજરાતટુરિઝમ)

ઘૂડખર અભયારણ્ય સહિતનાં ગુજરાતનાં તમામ ૨૭ અભયારણ્યો ૧૬ જૂનથી ૧૫ ઑક્ટોબર ચાર મહિના પ્રવાસીઓ માટે બંધ રહે છે અને ૧૬ ઑક્ટોબરથી ખુલ્લાં મૂકવામાં આવે છે, પરંતુ આ વર્ષે રણકાંઠામાં ૨૬ ઇંચથી વધારે વરસાદ ખાબકવાની સાથે બનાસ, રૂપેણ અને સરસ્વતી નદી સહિત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની ૧૧૦થી વધુ નદીઓનાં પાણી ઠલવાતાં હાલમાં રણમાં ચાર-ચાર ફુટનાં પાણી છે જેથી એક માત્ર ઘૂડખર અભયારણ્ય પહેલી વાર એક મહિનો મોડું ખૂલશે અને ઘૂડખર અભયારણ્યને ૪૬ વર્ષમાં પહેલી વાર દિવાળીના તહેવારોમાં પ્રવાસન પર મરણતોલ ફટકો પડશે. એમાંય જો હજી વધુ વરસાદ ખાબકે તો પ્રવાસીઓ માટે રણના પવનવેગી દોડવીર ગણાતા એવા ઘૂડખરનાં દર્શન દુર્લભ બનશે.
દર વર્ષે નવરાત્રિ અને દિવાળી વચ્ચે અગરિયાઓ પોતાના પરિવારજનો સાથે રણમાં મીઠું પકવવા પહોંચી જાય છે, પરંતુ હાલમાં આખું રણ સમુદ્રમાં ફેરવાતાં અગરિયા પણ દેવ દિવાળી પહેલાં મીઠું પકવવા નહીં જઈ શકે. હાલમાં રણમાં ચિક્કાર વરસાદી પાણીના ભરાવાના કારણે અભયારણ્ય વિસ્તાર નિર્ધારિત સમય કરતાં મોડું ખૂલશે અને સાથે દિવાળીના તહેવારોની રજામાં પ્રવાસનની આવકમાં પણ મોટો ફટકો પડશે.

gujarat kutch