20 September, 2025 10:11 AM IST | Bhuj | Gujarati Mid-day Correspondent
ધોરડો ગામમાં ઘરો પર લગાડવામાં આવેલી સોલર-રૂફટૉપ પૅનલ
દેશ અને દુનિયાના સહેલાણીઓને આકર્ષતો રણોત્સવ જે ગામ પાસે થાય છે એ કચ્છનું ધોરડો ગામ હવે સોલર-વિલેજ બની ગયું છે. ગુજરાતમાં આ સાથે ધોરડો ચોથું સોલર-વિલેજ બન્યું છે. આજે ભાવનગર ખાતે આયોજિત સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી એને લોકાર્પણ કરશે.
યુનાઇટેડ નૅશનલ વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કચ્છનું ધોરડો ગામ સોલર-વિલેજ બન્યું એ પહેલાં ગુજરાતના મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામ, ખેડા જિલ્લાનું સુખી ગામ અને બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સોલર-વિલેજ બની ચૂક્યાં છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ ધોરડો ગામનાં ૧૦૦ ટકા રહેણાક હેતુનાં વીજજોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. એના કારણે ધોરડોનાં ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. આ પ્રોજેક્ટ થકી ધોરડોનાં ૮૧ ઘરો માટે ૧૭૭ કિલોવૉટની સોલર-રૂફટૉપ કૅપેસિટી મળશે અને વાર્ષિક બે લાખ ૯૫ હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે. એના પગલે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વધારાના યુનિટને લીધે આવક થશે. ગામના વીજવપરાશકર્તાને વાર્ષિક ૧૬,૦૬૪ રૂપિયાનો આર્થિક લાભ થવાનો અંદાજ છે.
ધોરડો ગામના સરપંચ મિયાં હુસેને કહ્યું હતું કે ‘આ છેવાડાનું ગામ છે અને નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ગામમાં ઘણો વિકાસ થયો છે. હવે આખા ગામનાં ઘરોમાં
સોલર-રૂફટૉપ લાગવાથી લોકોનું બિલ ઓછું થઈ જશે અને લોકોને ફાયદો થશે.’
નરેન્દ્ર મોદીનો આજનો એજન્ડા
આજે ભાવનગરથી નરેન્દ્ર મોદી સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વૉટરવેઝ મંત્રાલય હેઠળના ૬૬,૦૨૫ કરોડ રૂપિયાનાં મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU)નું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પોર્ટ્સ, શિપિંગ અને વૉટરવેઝ મંત્રાલય હેઠળના દેશનાં પ્રમુખ બંદરોના વિકાસ માટે ૭૮૭૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ૨૬,૩૫૪ કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસ-કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.