કચ્છમાં સીઝનનો ૧૭૯.૨૧ ટકા જેટલો વરસાદ પડી ગયો

01 September, 2024 08:36 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ ૧૧૧.૧૮ ટકા વરસાદ વરસી ગયો : ઉત્તર ગુજરાતને છોડીને બાકી બધે ટકાવારી ૧૦૦ની ઉપર

ડાંગ જિલ્લાના આહવા સહિત આસપાસનાં આઠ ગામોની જીવાદોરી સમાન ભિસ્યા ડૅમ ઓવરફ્લો થયો હતો.

ચોમાસાની આ ઋતુમાં મેઘરાજાએ કચ્છને લથબથ કરી દીધું છે. આ સીઝનમાં ગુજરાતમાં એકલા કચ્છમાં સૌથી વધુ ૧૭૯.૨૧ ટકા વરસાદ વરસી ગયો છે. સારા વરસાદને કારણે કચ્છના અબડાસા તાલુકાનો કંકાવતી ડૅમ, માંડવીનો ડૉન ડૅમ, નખત્રાણાનો ભૂખી ડૅમ સહિત કચ્છના ૧૫ ડૅમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં સમગ્ર ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ ૧૧૧.૧૮ ટકા વરસાદ વરસ્યો છે.

વરસાદની આ સીઝનમાં ગઈ કાલે સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૪.૯૬ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૧.૫૬ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૦૫.૦૯ ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૮.૨૬ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં આ વખતે મેઘમહેર થતાં ગુજરાતના ૧૧૦ ડૅમ ૧૦૦ ટકા ભરાઈ ચૂક્યા છે. ૪૨ ડૅમ ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયેલા છે. વીસ ડૅમ ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડૅમ ૮૫.૪૯ ટકા ભરાયો છે.

gujarat news gujarat ahmedabad Gujarat Rains monsoon news indian meteorological department kutch