પરીક્ષાના ધાર્યા પરિણામો ન આવે તો શું કરવું જાણો જય વસાવડા પાસેથી

06 May, 2019 03:50 PM IST  |  મુંબઈ | ફાલ્ગુની લાખાણી

પરીક્ષાના ધાર્યા પરિણામો ન આવે તો શું કરવું જાણો જય વસાવડા પાસેથી

જય વસાવડા

જાણીતા લેખક, એક સમયના લેક્ચરર અને પ્રિન્સીપાલ જેવી મોભાદાર જોબ છોડીને પોતાના પેશનને અપનાવનાર લેખક જય વસાવડા સાથે gujaratimidday.comએ બોર્ડના પરિણામો વિશે ખાસ વાત કરી. જાણો શું કહે છે જય વસાવડા...

'પરિણામો ફાઈનલ વર્ડિક્ટ નથી'
મંગળવારે ગુજરાત બોર્ડના પરિણામો આવશે. કદાચ કોઈના ધાર્યા પ્રમાણેના આવશે કોઈના નહીં આવે. પણ આ પરિણામો ફાઈનલ વર્ડિક્ટ નથી. અંતિમ પરિણામ નથી. અત્યારે ભલે ઓછા માર્ક્સ આવ્યા હોય પણ તમે હજુ પણ મહેનત કરીને જીવનમાં સફળતા મેળવી શકો છો.

'માણસનું મૂલ્ય નથી, માર્ક્સનું છે'
જો ઓછા માર્ક્સ આવે તો શું કરવું એના માટે જય વસાવડા હળવા મૂડમાં કહે છે કે, 'આજકાલ ચૂંટણીની મોસમ છે તેના પરથી તેના મોટિવેશન મળી જશે તમે તો જોઈ જ રહ્યા હશો કે જેને ઓછા માર્ક્સ આવ્યા છે તે વધુ માર્ક્સ આવ્યા છે તેના પર રાજ કરશે!!! '

'માણસનું મૂલ્ય છે, માર્ક્સનું નહીં. તમે જ્યારે ડૉક્ટર પાસે જાવ ત્યારે તેની માર્કશીટ નથી જોતા. ડૉક્ટર પર તમે ભરોસો રાખો છો અને ઈલાજ કરાવો છો. બસ માર્કશીટનું આટલું જ મૂલ્ય છે.'

'સ્પર્ધા જરૂરી છે પણ સરખામણી નહીં'
ઘણીવાર વાલીઓના ડર અને દબાણના કારણે પણ વિદ્યાર્થીઓ ધાર્યું પરિણામ ન આવતા નાસીપાસ થાય છે. જેના પર જય વસાવડા કહે છે કે, 'વાલીઓને હું એટલું જ કહીશ કે સ્પર્ધા રાખવાની પણ સરખામણી નહીં. કંપેરિઝન બરાબર છે પરંતુ કોમ્પિટીશન નહીં. વાલીઓએ અન્ય વિદ્યાર્થીઓ સાથે બિનજરૂરી રીતે પોતાના સંતાનની સરખામણી ન કરવી જોઈએ.'

વાલીઓને સલાહ આપતા જય વસાવડા એમ પણ કહે છે કે જો સંતાન પર પ્રેશર વધારવામાં આવશે તો તે ખોટું બોલતા શીખે. એના કરતા એવી જરૂર છે કે, તેમને શું નથી આવડતું એ જાણો અને તેના પર કામ કરો.

'સ્ટીરીઓટાઈપ માંથી બહાર નીકળવાની જરૂર'
આજકાલ તમામ લોકોને એવી ઈચ્છા હોય છે કે તેમને વ્હાઈટ કૉલર જોબ મળે. પણ ખરી વાત એ છે કે કમાણી માટેના માધ્યમો શોધવાના છે. આ દુનિયામાં જેટલા લોકો છે તેના કરતા ફૂલ ટાઈમ જોબ ઓછી જ છે. એટલે બધાને તો ફૂલ ટાઈમ જોબ નથી મળવાની. આ એક સ્ટીરીઓટાઈમ બંધાઈ ગયો છે. એમાંથી બહાર નીકળવાની જરૂર છે.

જય વસાવડા તો એવું પણ કહે છે, તમે હાજી અલી પાસે જાઓ તો અનેક લોકો એવા છે. જેમને માત્ર જ્યુસની દુકાન છે પણ વ્હાઈટ કૉલર જોબ કરતા લોકો કરતા વધુ પૈસા કમાય છે. અનેક એવી પાનની દુકાનના ઑનર છે જેઓ ખૂબ જ સારી કમાણી કરે છે. એટલે માર્ક્સ નહીં ટેલેન્ટ મહત્વ રાખે છે.

જય વસાવડાનો સંદેશ
પરિણામો આવી રહ્યા છે. પણ આ પરિણામો તમારી જિંદગીના આખરી પરિણામો નથી. હજુ પણ મોકો છે, મહેનત કરો અને તમને જે આવડે એમાં આગળ વધો અને એના પર કામ કરો. અને આ જ વાત તમને આગળ લઈ જશે.

gujarat