કોરોનાવાઇરસના કેસિઝમાં વધારો થતા સરહદ સીલ,જાણો ગુજરાતથી કયા રાજ્યમાં નહીં જઇ શકો

10 May, 2021 01:44 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

 અત્યારસુધી 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો જાહેર કરાયા છે, જ્યારે 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લૉકડાઉન લાગુ કરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોનાવાઇરસનો ભરડો દિવસે દિવસે આકરો જ થતો જાય છે અને આ સંજોગોમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની બોર્ડરને લઇને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતથી રાજસ્થાન જવાનું હાલમાં ખોટકાશે અને જેને જવું હશે તેણે અમુક નિમયો અનુસરવા પડશે. 

રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. હવે આ 10મી મેથી 24મી મે સુધી રાજસ્થાન તથા ગુજરાતની બોર્ડર સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી છે. સાથે જ રાજસ્થાન જતા લોકોને RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાઈ રહ્યો છે.કોરોનાનું સંક્રમણ વધતા રાજસ્થાનની ગેહલોત સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન લાગુ કરી દીધું છે. યાત્રાધામ અંબાજી નજીક માત્ર 6 કિ.મી. દૂર જ રાજસ્થાનની સરહદ આવેલી છે. આજે લોકડાઉનની શરૂ થતા રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર સતર્કતા વધારી દેવામાં આવી છે.

 ગુજરાતની એસ.ટી નિગમની બસોને પણ રાજસ્થાનમાં પ્રવેશ નહીં મળે. જોકે આવશ્યક માલવાહક વાહનો તથા ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા પોતાનો કોરોનાનો RT-PCR ટેસ્ટ નેગેટિવ બતાવો ફરજીયાત રહેશે અને જે લોકો જરૂરી દસ્તાવેજ નહીં બતાવે તેમણે રાજસ્થાનમાં 15 દિવસ કોરોન્ટાઇન થવું પડશે. રાજસ્થાનમાં 10 મેથી 24 મે દરમિયાન લૉકડાઉન દરમિયાન ઈમરજન્સી તથા જીવન જરૂરિયાતની સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે. લગ્ન, ડીજે, સરઘસ અને પાર્ટી વગેરેથી સંબંધિત કોઈપણ સમારોહને 31 મે સુધી મંજૂરી અપાશે નહીં. ઘરે અથવા કોર્ટ મેરેજ તરીકે લગ્નની મંજૂરી આપવામાં આવશે, જેમાં ફક્ત 11 વ્યક્તિઓને હાજરી આપવાની પરવાનગી મળશે.

 અત્યારસુધી 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો જાહેર કરાયા છે, જ્યારે 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લૉકડાઉન લાગુ કરવામાં આવે છે.

coronavirus lockdown covid19 rajasthan