ગોંડલનું ગૌરવ : પલક બની 'પોપ્યુલર ક્વિન ઑફ યુનિવર્સ'

12 April, 2019 07:29 PM IST  |  મુંબઈ

ગોંડલનું ગૌરવ : પલક બની 'પોપ્યુલર ક્વિન ઑફ યુનિવર્સ'

પલક ગાદોયા

આજે વિશ્વમાં તમામ ક્ષેત્રે નારીશક્તિનો વિજય જોવા મળે છે ત્યારે મુંબઇના લોખંડવાલા ગ્રાઉન્ડમાં 31 માર્ચ 2019ના રોજ પોપ્યુલર ક્વીન ઑફ યુનિવર્ષ કોન્ટેસ્ટું આયોજન થયું હતું. જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તેમાં પલક રવેશિયાએ પણ ભાગ લીધો હતો. પલકનું સ્ટાઇલિંગ રાજકોટ ફેશન ડિઝાઇનર પ્રિયંકા ડામોરે કર્યું હતું. આ સ્પર્ધામાં પલકને પોપ્યુલર ક્વીન ઑફ યુનિવર્સના ટાઇટલથી નવાજવામાં આવી હતી. આ ઉપરાંત પણ પલકને 4 ઇન્ટરનેશનલ એવોર્ડ્સ અને અન્ય કેટલાક સન્માન મળ્યા છે.

સામાજિક સેવાઓમાં પલકનું યોગદાન

પલકે જણાવ્યું કે તેઓ મુંબઈના ગોરેગાંવમાં આવેલા 'ડિઝાયર ઓર્ગેનાઇઝેશન' કે જે HIVથી અસરગ્રસ્ત થયેલા બાળકોને મ્યુનિસિપલ હોસ્પિટલ્સમાંથી દત્તક લઇને તેમની સારવાર માટે કામ કરે છે, તેની સાથે છેલ્લાં પાંચ વર્ષોથી સંકળાયેલા છે. પલક તે બાળકોને વાર્તાઓ કહેવાનું, ડાન્સ અને ગીતો શીખવાડવાનું અને તેમના ચહેરા પર ખુશી લાવવાનું કામ કરે છે. તેઓ 'પ્રયાસ' નામના NGO સાથે પણ જોડાયેલાં છે, જે ગોરેગાંવમાં સ્ટ્રીટ સ્કૂલ ચલાવે છે. ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી આ સ્ટ્રીટ સ્કૂલમાં પલક સ્ટોરી ટેલિંગ માટે જાય છે. આ સાથે જ તેઓ 'અપનાલયા' NGO સાથે પણ જોડાયેલા છે. આ એનજીઓએ કુપોષણના કેસ એવા 30 બાળકોને અડોપ્ટ કર્યા છે અને તેમને સ્વસ્થ-તંદુરસ્ત જીવન આપવાનો તેમનો ઉદ્દેશ છે. આજે આ બાળકો કુપોષણમાંથી બહાર આવી ગયા છે અને ઘણા તંદુરસ્ત પણ છે, જેમાં પલકનું પણ યોગદાન છે. તેઓ પોતાના પગારનો કેટલોક હિસ્સો આ બાળકોના ખોરાક પાછળ ખર્ચ કરે છે. આ ઉપરાંત કોર્પોરેટ ક્ષેત્રે કામ કરવા દરમિયાન જ તેઓ ઘણા NGOs સાથે જોડાયેલા હતા. યુનિલિવરના એમ્પ્લોયી તરીકે 4 વર્ષ કામ કરવા દરમિયાન તેમણે કંપની તરફથી યોજાતા લેબર ફેમિલિ અપગ્રેડેશન પ્રોગ્રામમાં સ્વયંસેવાની ભાવનાથી જોડાયા હતા. આમ છેલ્લાં 8 વર્ષોથી પલક સમાજને મદદરૂપ થવાન ઉત્તમ કામગીરી બજાવતા આવ્યા છે.

આ સાથે જ વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ઝૂંપડપટ્ટીમાં રહેતી સ્ત્રીઓને સ્વચ્છતા અને સેનિટાઇઝેશનનું મહત્વ સમજાવવા માટે પલકે ઘાટકોપરથી લઈને મુંબઈના ઘણા સ્લમ એરિયામાં જઈને પણ કામ કર્યું છે. તેમણે 2 મહિના સુધી દરેક વીકેન્ડમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને આ કામ કર્યું હતું. આ કામગીરી તેમણે યુનિલિવર કંપનીના કર્મચારી હોવાને નાતે નિભાવી હતી.

શું છે પલકની ઉપલબ્ધિઓ

ગુજરાતી મિડ-ડે સાથે વાત કરતા પલકે જણાવ્યું કે, તેમને 4 ઇન્ટરનેશનલ એવોર્ડ્સ મળ્યા છે. મિસિસ ઇન્ટેલેક્ચુઅલ 2017, મિસિસ ઇન્ટેલેક્ચ્યુઅલ 2018, મિસિસ એશિયા પેસિફિક 2018 (સ્પેશિયલ ક્વીન), મિસિસ ટેલેન્ટેડ 2019 (બેસ્ટ ડાન્સ). આ ઉપરાંત તેમને મિસિસ ફ્રેન્ડશિપનું સબ-ટાઇટલ પણ મળ્યું હતું. મિસિસ ફ્રેન્ડશિપનું સબ-ટાઇટલ તેમને તેમના મિલનસાર સ્વ ભાવ અને લોકોને મદદ કરવાની ભાવના માટે આપવામાં આવ્યું હતું. સાથેના આ મદદરૂપ થવાના સ્વભાવને ત્યાંની જ્યુરીએ એ દિવસો દરમિયાન નોટિસ કર્યો અને એને રેકગનાઈઝ કરીને પલકને આ સ્પેશિયલ મિસિસ ફ્રેન્ડશિપનું ટાઇટલ આપવામાં આવ્યું હતું. પલકની આ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને તેમની જ્ઞાતિએ તેમનું સન્માન કર્યું અને તેમને જ્ઞાતિ ગૌરવ પુરસ્કારથી નવાજ્યા.

આ પણ વાંચો : જાણો સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર રાજકોટની પલક ગાદોયા વિશે

કેવી છે પલકની પર્સનલ લાઇફ

પલક લગ્ન પહેલા ગાદોયા હતા અને લગ્ન પછી રવેસિયા થયા છે. પલકના લગ્નને 8 વર્ષ થઈ ચૂક્યાં છે. તેમને એક દીકરી પણ છે. દીકરીના ઉછેર, ઘરનું ધ્યાન અને પોતાની નોકરીની સાથે-સાથે પલક આટલી બધી સામાજિક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવે છે. પલક જણાવે છે કે આ તમામ માટે પતિનો તેમને ખૂબ જ સપોર્ટ હંમેશાં રહ્યો છે. સમાજસેવાની પ્રેરણા તેમને પોતાના પિતા પાસેથી મળી છે. તેમના પિતાજી હંમેશાં કહેતા કે 'દીકરી, ધર્મ અને દાન માટે પૈસા બચાવો.' પલકના માતા પણ તેમના માટે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત છે. પરિવારના લોકોના પોઝિટિવ સપોર્ટ અને જીવનમાં કંઇક કરી બતાવવાની ઝંખના તેમજ સમાજને શક્ય હોય તે રીતે ઉપયોગી થવાની ભાવનાએ પલકને આજે આ મુકામે પહોંચાડી છે. દેશની દીકરીઓ માટે પલક એક ઉદાહરણ પૂરું પાડે છે.

gujarat