મોરારિબાપુના સમર્થનમાં આવ્યા કિર્તીદાન, સાઈરામ, માયાભાઈ આહીર, કહ્યું...

10 September, 2019 06:48 PM IST  |  અમદાવાદ

મોરારિબાપુના સમર્થનમાં આવ્યા કિર્તીદાન, સાઈરામ, માયાભાઈ આહીર, કહ્યું...

મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પેરિસની કથામાં મોરારિબાપુએ નીલકંઠ વર્ણી અંગે કરેલી ટિપ્પણી બાદ સ્વામિનારાયણ સંપ્રદાયની નારાજગી સામે આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયે આ મામલે બાપુને માફી માગવા કહ્યું હતું. અને બાપુએ માફી માગ્યા બાદ પણ વિવાદ વકરી રહ્યો છે. જય વસાવડા અને કાજલ ઓઝા વૈદ્ય જેવા લેખકો બાદ હવે આ વિવાદમાં ગુજરાતના જાણીતા લોકકલાકારોએ પણ ઝંપલાવ્યું છે. હાસ્ય કલાકાર માયાભાઈ આહિર, સાંઈરામ દવે ગાયક કિર્તીદાન ગઢવી અને જીજ્ઞેશ કવિવારે વીડિયો પોસ્ટ કરીને મોરારિબાપુનું સમર્થન કર્યું છે.

કિર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને મોરારિબાપુનું સમર્થન કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે મોરારિબાપુ અમારા જેવા કલાકારોના બાપ છે. બાપુ મને બાપ જેવા વહાલા છે. બાપુ વિશે કોઈ જરા પણ બોલે તે મને ગમતું નથી.

તો સાંઈરામ દવે, માયભાઈ આહીર અને જિજ્ઞેશ કવિરાજે પણ બંને પક્ષના લોકોને વિવાદમાં ઘીન હોમવા વિનંતી કરી છે. સાંઈરામ દવેએ પણ ફેસબુક પર આ મામલે વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે કહ્યું કે બાપુએ ક્યાંય સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ નથી લીધું. બાપુ માફી માગી ચૂક્યા છે. ગુજરાતની આધ્યાત્મિક તંદુરસ્તી માટે સોશિયલ મીડિયા પર આપણે કોઈ આવા વીડિયો મૂકીને આગમાં ઘી હોમવાનું કામ ન કરવું જોઈએ.'

જાણો શું કહ્યું સાંઈરામ દવેએ ?

હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે પણ મોરારિબાપુને પોતાના પિતા સમાન ગણાવ્યા છે. તેમણે વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે,'બાપુને કોઈ સંપ્રદાય માટે કોઈ ખરાબ લાગણી નથી. બાપુ અમારો બાપ છે. તમારા ગુરુ તમારા માટે ભગવાન સમાન છે તેવી રીતે અમારા ગુરુ અમારા માટે ભગવાન સમાન છે. ધર્મનું માન રાખીને કોઈએ અત્યાર સુધી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ નથી કર્યો. બાપુ ક્યારેય કોઈ પાસેથી એક રૂપિયો નથી લેતા. તમે નક્કી કરો કે અમે પણ સમાજ પાસેથી કંઈ નહીં લઈએ અને સમાજને કંઈક આપીશું. બાપુએ કોઈને વટલાવ્યા વગર વહાલ કર્યો છે.'

સાંભળો માયાભાઈ આહીરનું નિવેદન

આ મામલે નિવેદન કરતા ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજે પણ કહ્યું, "બે-ત્રણ દિવસથી પરમ પૂજનીય વિશ્વવંદનીય મોરારિબાપુએ જે વાત કરી હતી તેના પર જે લોકો ટીપ્પણી કરી રહ્યા છે તેમને કહેવાનું કે, હું જાતભાત, નરનારી, ઊંચનીચ કે રંગરૂપમાં નથી માનતો. કારણ કે સનાતન ધર્મ તેમાં નથી માનતો. હું કૃષ્ણ, શિવ, બ્રહ્મા અને મા શક્તિની પૂજા કરું છું કારણ કે સનાતન ધર્મ તેની પૂજા કરે છે. ના મારો કોઈ પંથ છે ના મારો કોઈ વડો છે. નીલકંઠ એક જ અમારો ભોળિયો નાથ છે. નદીઓ પોતાની રીતે વહે છે પરંતુ અંતે તો તેમણે સમુદ્રમાં જ ભળવું પડે છે."

સાંભળો શું કહે છે જિજ્ઞેશ કવિરાજ ?


આ રીતે શરૂ થયો વિવાદ

ઉલ્લેખનીય છે કે મોરારિબાપુએ એક કથામાં નીલકંઠ વિશે વાત કરતા કહ્યું હતું. નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારીબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.

gujarat Kirtidan Gadhvi