ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણઃ લાકડી-ધોકા ઊછળ્યાં

08 January, 2020 12:04 PM IST  |  Ahmedabad

ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણઃ લાકડી-ધોકા ઊછળ્યાં

હુમલો

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં બુકાનીધારી યુવકો દ્વારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી પર હુમલો કરાતા દેશભરમાં ફરી વાર વિવાદ ઊભો થયો છે. ત્યારે હવે દિલ્હીની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલી એબીવીપીના કાર્યાલય ખાતે એબીવીપી અને એનએસયુઆઇ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બન્ને પક્ષે એકબીજા પર તોડફોડનો આક્ષેપ કર્યો હતો, જેને પગલે એબીવીપીના કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બન્ને જૂથના ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે અને શહેર પોલીસ-કમિશનર પાસે રિપોર્ટ પણ માગ્યો છે.

દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. તેમ જ એનએસયુઆઇના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. પોલીસ અને મીડિયાની હાજરીમાં એનએસયુઆઇના કાર્યકરો સાથે મારામારી થઈ હતી. ઘટના સમયે પ્રદીપસિંહ ગોહિલ અને ઋત્વિજ પટેલની પણ હાજરી હતી.

આ ઘર્ષણ દરમિયાન એનએસયુઆઇના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઇપ અને ધોકા વડે માર મરાયો છે જેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં એક સમયે રોડ પર લાકડી-ધોકા વડે સામસામે મારામારીનાં દૃશ્યો સર્જાયાં હતાં.

યુવા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે એનએસયુઆઇ દ્વારા એબીવીપીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ કાર્યક્રમને થવા દીધો નહોતો. તેમણે વધુમાં કહ્યું કે લોકશાહીમાં હિંસાને કોઈ પણ સ્થાન નથી, જેથી પોલીસે મારામારી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

હિંસા બાદ એબીવીપીના કાર્યાલય પર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એબીવીપીનો આરોપ છે કે કૉન્ગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એબીવીપીના કાર્યકરો દ્વારા કોઈના પર હુમલો કરવામાં આવ્યો નથી.

આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. એનએસયુઆઇનો કાર્યકર નિખિલ સવાણી લોહીલુહાણ થયો છે. આ ઘટનામાં પાંચ વ્યક્તિઓને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટના બાદ અમદાવાદમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એબીવીપી અને એનએસયુઆઇ એકબીજા પર મારામારીના આરોપ મૂકી રહ્યા છે. હાલમાં ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા છે. આ ઘટનામાં ન‌િખ‌િલ સવાણીને માર મરાયો છે. એબીવીપીએ પણ જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

એબીવીપીએ આયોજનપૂર્વક હિંસા કરીને અમારા કાર્યકરોને માર્યાઃ કૉન્ગ્રેસ

કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે આ આખી પરિસ્થિતિને સમજવાની જરૂર છે, કારણ કે જે રીતે એબીવીપીના કાર્યકરોએ પ્રીપ્લાન કરીને હુમલો કર્યો છે એ ઘણું કહી જાય છે. એનએસયુઆઇના કાર્યકરો તો લોકતાંત્રિક રીતે જેએનયુની હિંસા સંબંધે માત્ર રજૂઆત કરવા ગયા હતા. પરંતુ બીજેપી અને એબીવીપીના કાર્યકરોએ પૂર્વાયોજિત કાવતરું પાર પાડતા એનએસયુઆઇના કાર્યકરોને ઘેરીને બરાબરના માર્યા હતા. આમ એબીવીપીનો ગુંડાગીરીનો ચહેરો દેશભરમાં ઉઘાડો પડી ગયો છે.

ahmedabad gujarat