05 September, 2023 02:31 PM IST | valsad | Gujarati Mid-day Online Correspondent
શ્રી ઠાકોરદ્વાર મુરલીધર રામ મંદિરમાં શતાબ્દી મહોત્સવની ઉજવણી
શ્રાવણ માસનો સરસ પ્રારંભ થઈ ગયો છે. અનેક ધાર્મિક વ્રત-ઉપવાસની પણ શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને હિંદુ પરિવારોમાં અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ગણતરીના દિવસોમાં જ જન્માષ્ટમી (Janmashtami 2023) અને મટકીફોડનો ઉત્સવ આવી રહ્યો છે. ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં આની ધમાકેદાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ જ ગુજરાત-મહારાષ્ટ્રના સીમાડે આવેલ અને વલસાડ જિલ્લાના ઔધોગિક એવા ઉંબરગામ ટાઉનમાં જન્માષ્ટમી (Janmashtami 2023) નિમિત્તે સરસ ભજનકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના ગુજરાતી બ્રાહ્મણ ફળિયામા સ્થિત શ્રી ઠાકોરદ્વાર મુરલીધર રામ મંદિર વિશે લોકોને અનેરી શ્રદ્ધા છે. અહીં દર વર્ષે પારંપારિક રીતે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય તે પહેલા જ શ્રાવણ સુદ એકમથી અખંડ ભજનકિર્તનનું આયોજન કરવામાં આવે છે. આ ભજનકિર્તનમાં અનેક કૃષ્ણ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહેતાં હોય છે.
સોનામાં સુગંધ ભલે એમ આ વર્ષે તો ૧૦૦ વર્ષ પુર્ણ થવાને કારણે અહીંનો જન્માષ્ટમી (Janmashtami 2023) શતાબ્દી મહોત્સવ ખુબ જ ભવ્યતાથી ઉજવવમાં આવ્યો છે. ઉત્સાહભેર સર્વ જાતિસમુહના ભક્તો ભેગા થયા હતા અને સૌએ સાથે મળીને દાયકાઓથી ઉજવાતો પારંપારિક ઉત્સવ ઉજવ્યો હતો.
જન્માષ્ટમીના આ વિશિષ્ટ કાર્યક્રમમાં સાત દિવસ સુધી અખંડ ભજનકિર્તન રાખવામાં આવે છે. તે માટે વિવિધ ૧૨ ભજનમંડળીઓને બોલાવવમાં આવે છે. દરેક મંડળીને પ્રત્યેક બે કલાક ફાળવવામાં આવતા હોય છે. ભેગા થયેલા સૌ કૃષ્ણભક્તો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય ત્યાંસુધી અવિરત ભક્તિમય ભજન-આરાધના કરે છે.
આ સાથે જ જાણીને આનંદ થશે કે જન્માષ્ટમી (Janmashtami 2023)ના બીજે દિવસે પરોઢિયે આ ઠાકોરદ્વાર મુરલીધર રામ મંદિરથી ભગવાનની પાલખીનું પણ આયોજન કરવામાં આવે છે. આ પાલખી ભક્તિભાવ સહિત ગામના પ્રત્યેક વિસ્તારોમાં ફરાવવામાં આવે છે. આ ઉપરાંત દહીમટકી ફોડવાની પરંપરા પણ હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે.
ઉંબરગામના બ્રાહ્મણ ફળિયામાં આ મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ મંદિર લગભગ ૧૫૦થી પણ વધુ વર્ષ પ્રાચીન છે. ઇતિહાસના પાનાં ઉથલાવીએ તો જાણવા મળે છે કે સિધ્ધપુરના કેટલાક બ્રાહ્મણ કુટુંબોએ ઉંબરગામમાં સ્થળાંતર કર્યુ હતું. ત્યાં તેઓએ કાયમી વસવાટ કર્યો. ત્યારથી આ મંદિરનો વહિવટ તેઓએ પોતાના માથે લઈ લીધો. ત્યારબાદ સન ૧૯૨૩માં આ સાત દિવસની અખંડ નામસપ્તાહ અને ભજનકિર્તનની શરૂઆત કરવામાં આવી હતી. સન ૧૯૪૭મા અહીં રહેતા બ્રાહ્મણો દ્વારા મંદિરનો જીર્ણોધ્ધર કરવામાં આવ્યો હતો જેમા જીવનરામ શુક્લ, દયારામ ભટ્ટ, ગણપતરાવ મોહિતે જેવા અગ્રણીઓએ મહત્વનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ અહીંના બ્રાહ્મણ ફળિયાના અન્ય પરિવારજનોએ ખુબ જ ખંતરથી આ પરંપરાને અત્યારસુધી અવિરત જીવતી રાખી છે. જેને આ વર્ષે જ ૧૦૦ વર્ષ પુર્ણ થયા અને આ શતાબ્દી મહોત્સવનું પણ રંગે-ચંગે આયોજન થયુ હતું.