જીવલેણ કોંગોનો રાજ્યમાં વધુ એક કેસ, મહિલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

03 September, 2019 05:23 PM IST  |  જામનગર

જીવલેણ કોંગોનો રાજ્યમાં વધુ એક કેસ, મહિલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

રાજ્યમાં જીવલેણ કોંગો ફીવરનો ખૌફ વધી રહ્યો છે. આ જીવલેણ રોગના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવે જામનગરમાં કોંગોનો કેસ નોંધાયો છે. જામનગરની જી. જી. હોસ્પિટલના રેસિડેન્ટ મહિલા ડોક્ટરનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને કારણે જામનગર જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું બન્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ મહિલા તબીબ મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેની ઉંમર 27 વર્ષ છે. હાલ તેની તબીયત સુધારા પર છે.

આ પહેલા હળવદના 11 મજૂરમાં પણ કોંગો ફીવરની અસર હોવાની ચર્ચા હતી. જો કે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા રાહતનો શ્વાસ લીધો છે. ચોમાસાના મધ્યાંતરે રાજ્યમાં કોંગો ફીવરે ભરડો લીધો છે. કોંગોનો વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો હોવાના લીધે અત્યાર સુધીમાં ૩ મોત થઈ ગયાં છે. ભાવનગરના કમળેજ ગામની ૨૫ વર્ષની મહિલા અમુબેનને તાવ આવતાં તેને ગઈ બાવીસ ઑગસ્ટે ભાવનગરની સર ટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તેના લોહીના નમૂના લઈ પુણેની લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ મહિલાને વધુ સારવાર મળે એ પહેલાં જ રાત્રે બે વાગ્યે તેનું મોત થયું હતું જેથી ફરજ પરના તબીબે શંકાસ્પદ કોંગો ફીવરને કારણે મોત થયાનું જાહેર કર્યું હતું.

આ પહેલાં ૨૦ ઑગસ્ટે કોંગો ફીવરને કારણે મૃત્યુ પામેલાં લીલાબેન સિંધવનાં સાસુને પણ કોંગો ફીવર થતાં સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમ જ તેની સારવાર કરનાર નર્સનાં પણ બ્લડ સૅમ્પલ લેવામાં આવ્યાં છે. હાલ કોંગો ફીવરનાં લક્ષણ ધરાવતા ૯ લોકોને હૉસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ૯ દરદીઓમાં હળવદના ૩, એક રાયખડનો યુવાન, બે ડૉક્ટર, બે પૅરામેડિકલ સ્ટાફ અને જામડી ગામની એક મહિલાનો સમાવેશ થાય છે.

jamnagar gujarat news