ભરૂચમાં હાઇવે પર જૈન સાધ્વી અકસ્માતમાં ઘાયલ, તેમનાં સેવિકાનો ઘટનાસ્થળે જ જીવ ગયો

08 June, 2025 06:55 AM IST  |  Bharuch | Gujarati Mid-day Correspondent

૮૦ વર્ષનાં જૈન સાધ્વી‌ મધુસુધા મહાસતીજીને માથામાં ગંભીર ઈજા અને સાથળમાં ફ્રૅક્ચર આવતાં સુરતની મહાવીર હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યાં છે જ્યાં તેમની હાલત ગંભીર છે

મધુસુધા મહાસતીજી, સેવિકા ગજરાબહેન

ભરૂચમાં હાઇવે પર આવેલા વરેડિયા વિહારધામથી અસુઇયા વિહારધામ તરફ સવારે પોણાપાંચ વાગ્યે વ્હીલચૅર પર વિહાર કરી રહેલાં ૮૦ વર્ષનાં જૈન સાધ્વી‌ મધુસુધા મહાસતીજીનો ગઈ કાલે રોડ ક્રૉસ કરતી વખતે ઍક્સિડન્ટ થયો હતો જેમાં તેમની વ્હીલચૅર ચલાવી રહેલાં તેમનાં ૫૧ વર્ષનાં સેવિકા ગજરાબહેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને મહાસતીજીને માથામાં ગંભીર ઈજા અને સાથળમાં ફ્રૅક્ચર આવતાં સુરતની મહાવીર હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યાં છે જ્યાં તેમની હાલત ગંભીર છે.

આ બાબતે માહિતી આપતાં અકસ્માત બાદ તરત જ ઘટનાસ્થળે પહોંચેલા બરોડા વિહાર ગ્રુપના રાજેન્દ્ર બોલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિહાર ગ્રુપ દ્વારા અવારનવાર સૂચના આપવા છતાં ગઈ કાલે વરેડિયા વિહારધામથી સાધ્વીજીઓએ વહેલી સવારે પોણાપાંચ વાગ્યે વિહાર કરવાની શરૂઆત કરી હતી. તેઓ વિહારધામથી હાઇવે પર રોડ ક્રૉસ કરી રહ્યાં હતાં એ સમયે મધુસુધા મહાસતીજી વ્હી‌લચૅર પર હોવાથી પાછળ રહી ગયાં હતાં, જ્યારે અન્ય સાધ્વી‌જીઓ રોડ ક્રૉસ કરીને આગળ જતાં રહ્યાં હતાં. આ બધાં સાધ્વીજીઓ સાથે પોલીસ અને વિહાર ગ્રુપના સ્વયંસેવકો પણ હતા. જોકે અંધારામાં મુધુસુધા મહાસતીજી હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રકની અડફેટે આવી ગયાં હતાં. તેમને બચાવવા જતાં તેમનાં સેવિકા ગજરાબહેન રોડ-અકસ્માતમાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં. વિહાર ગ્રુપના સ્વયંસેવકો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ મધુસુધા મહાસતીજીને અને તેમની સેવિકાને બરોડા હાર્ટ સ્પેશ્યલિટી હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ ગજરાબહેનને મૃત્યુ પામેલાં જાહેર કર્યાં હતાં. મધુસુધા મહાસતીજીને માથામાં ગંભીર ઈજા હોવાથી તેમને તરત સુરતની મહાવીર હૉસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યાં છે.’

મહાવીર હૉસ્પિટલના ડૉક્ટરોએ મધુસુધા મહાસતીજીનું સી. ટી. સ્કૅન કર્યા પછી તેમને  માથામાં લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાનું કહ્યું હતું. આ સંદર્ભે રાજેન્દ્ર બોલિયાએ કહ્યું હતું કે ‘મહાસતીજી ભાનમાં છે. તેઓ થોડી વાતો કરી રહ્યાં છે, પરંતુ ડૉક્ટરોના કહેવા પ્રમાણે તેમના માથાની ઈજા ગંભીર હોવાથી તેમની સાથળના ફ્રૅક્ચરનું ઑપરેશન હમણાં શક્ય નથી. મૂળ રાજસ્થાનના પાલીનાં ગજરાબહેનનાં અમદાવાદમાં રહેતાં દીકરી-જમાઈને ગજરાબહેનનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. તેઓ ગઈ કાલે બપોરે ગજરાબહેનની ડેડ-બૉડીને અંતિમ સંસ્કાર માટે ઍમ્બ્યુલન્સમાં પાલી લઈ ગયાં છે. ગજરાબહેન છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સાધ્વીજીઓને સેવા આપી રહ્યાં હતાં.’

આ એક રોડ-અકસ્માત જ હતો એમ જણાવતાં ભરૂચના વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ અરવિંદ પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મધુસુધા મહાસતીનો જ્યાં રોડ-અકસ્માત થયો એ ઍક્સિડન્ટ-સ્પૉટ છે. આ પહેલાં પણ આ ઘટનાસ્થળે બે સાધ્વીજી રોડ-અકસ્માતમાં કાળધર્મ પામ્યાં હતાં. ગઈ કાલે મધુસુધા મહાસતીજી અને તેમનાં સેવિકાના અકસ્માત પછી ડ્રાઇવર પોલીસ-સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. આ અકસ્માતમાં મેલી રમત રમાયાની અમને કોઈ શંકા દેખાતી નથી. જોકે એમ છતાં અમે પોલીસમાં રોડ-ઍક્સિડન્ટની ફરિયાદ નોંધાવી છે.’

વિહાર ગ્રુપની માર્મિક અપીલ

ગઈ કાલના મધુસુધા મહાસતીજીના રોડ-અકસ્માત પછી સુરતના વિહાર ગ્રુપના નીલેશ કોઠારી અને રાજેન્દ્ર બોલિયાએ બધા જૈન સંઘોને વૉટ્સઍપના માધ્યમથી વિનંતી કરતાં કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૫-૨૦ દિવસમાં જે રીતે મહારાજસાહેબના રોડ-ઍક્સિડન્ટ થઈ રહ્યા છે એ જોતાં મહારાજસાહેબોએ સૂર્યોદય પહેલાં એટલે કે સવારે ૬ વાગ્યા પહેલાં વિહાર ન કરવો જોઈએ. મોટા ભાગના અકસ્માત સવારે ૪.૩૦થી પાંચ વાગ્યા વચ્ચે જ થાય છે એથી જૈન સંઘો અને જૈનાચાર્યો તેમ જ વિહાર ગ્રુપના સ્વયંસેવકોએ સાધુ-સંતોને ૬ વાગ્યા પહેલાં વિહાર કરતા રોકવાની ખૂબ જરૂર છે. જો કોઈ સાધુ-સાધ્વીઓ આ પહેલાં વિહાર કરવાનું કહે તો તેમને કહેવાનું કે અમે સવારે ૬ વાગ્યા પછી જ તમને સેવા આપી શકીશું. જૈન ધર્મનાં અણમોલ રત્નોની સુરક્ષા માટે અને દુર્ઘટનાથી બચાવવા માટે બધાએ સાથે મળીને ઝુંબેશ ચલાવવાની જરૂર છે.’

jain community road accident bharuch national highway gujarat gujarat news