31 January, 2026 09:41 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
LNG સંચાલિત ટ્રેન
દેશની પહેલી લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG) સંચાલિત ટ્રેન અમદાવાદમાં આવી ગઈ છે. આ હાઈ-ટેક ટ્રેનની અનોખી વિશેષતા એ છે કે એ એક જ ફુલ ટૅન્ક પર ૨૨૦૦ કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. એનો ખર્ચ ડીઝલ કરતાં ત્રણગણો ઓછો હશે. આ ઉપરાંત વારંવાર રીફ્યુઅલિંગની જરૂરિયાત દૂર થશે. આમ ભારતના રેલ-ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવો અધ્યાય ઉમેરાવાનો છે.
ગુજરાતમાં મહેસાણા અને સાબરમતી વચ્ચે ટ્રાયલ ચાલી રહી છે. આ ટ્રેન અત્યાર સુધીમાં ૨૦૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપી ચૂકી છે. ભવિષ્યમાં આ સેક્શન પર આઠથી ૧૦ વધુ ટ્રેનોમાં LNG ટેક્નૉલૉજી અપનાવવાની યોજના છે.
સફળ ટ્રાયલ પછી આ ટેક્નૉલૉજીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ આશરે ૧૪૦૦ હૉર્સપાવર (HP) ક્ષમતા ધરાવતી ટ્રેનોને LNG ઈંધણ-પ્રણાલીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. અમદાવાદના ડિવિઝનલ રેલવે-મૅનેજર (DRM) વેદ પ્રકાશે સમજાવ્યું હતું કે ‘LNG ડીઝલ કરતાં સસ્તું છે, જેનાથી ટ્રેન ચલાવવાનો એકંદર ખર્ચ ઓછો થાય છે. LNG પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો કરે છે. કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઑક્સાઇડ અને ધૂળના કણો જેવા હાનિકારક પદાર્થો ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે. આનાથી રેલવે-ટ્રૅકની આસપાસની હવા સ્વચ્છ રહે છે. LNG સાથે એન્જિન-પાવર અથવા કામગીરીમાં કોઈ ઘટાડો થતો નથી. એન્જિનની વિશ્વસનીયતા ડીઝલ એન્જિન જેટલી જ રહે છે.’