રાજકોટ : લાલ કિલ્લામાં ગુજરાત કેવી રીતે રહ્યું શિરમોર?

16 August, 2020 10:24 AM IST  |  Rajkot | Rashmin Shah

રાજકોટ : લાલ કિલ્લામાં ગુજરાત કેવી રીતે રહ્યું શિરમોર?

નરેન્દ્ર મોદી

૭૪મા સ્વતંત્ર દિવસે ગઈ કાલે લાલ કિલ્લા પર સ્પીચ આપવા માટે પહોંચેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલા સાફા પર સૌકોઈનું ધ્યાન ગયું હતું. રાજપૂતી સમાજની ઓળખ સમાન એવો એ સાફો ખાસ ગુજરાતથી બનીને દિલ્હી ગયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે વડા પ્રધાન લાલ કિલ્લા પર રાજપૂતી સાફો પહેરશે એ વાત પાંચેક દિવસ પહેલાં જ નક્કી થઈ હતી. નરેન્દ્ર મોદીએ પહેરેલા આ સાફા પાછળ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડોડિયા ફળિયા નામના ગામમાં રહેતાં સુજલસિંહ પરમારનો હાથ છે.

નરેન્દ્ર મોદી માટે અલગ-અલગ પાંચ સાફા તૈયાર કરવામાં આવ્યા હતા. સાફો સામાન્ય રીતે એ જ ઘડીએ તૈયાર કરીને પહેરાવવામાં આવતો હોય છે, પણ વડા પ્રધાન માટે જે સાફા બનાવવામાં આવ્યા એ સાફા મેઝરમેન્ટ મુજબ ફિક્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જેથી એ સીધા જ પહેરી શકાય. ગુજરાતની ઓળખ, ગુજરાતનો પ્રભાવ અને ગુજરાતીની ખાસિયત લાલ કિલ્લા પર દેખાઈ એવા હેતુથી ગુજરાતથી સાફા મગાવવામાં આવ્યા હતા. સુજલસિંહે કહ્યું હતું કે ‘સાફા માટે રેગ્યુલર કાપડ લઈને એનાથી સીધો સાફો નથી પહેરાતો. સાફાનું કપડું ખરીદ્યા પછી એના પર બેત્રણ પ્રોસેસ થાય અને એ પ્રોસેસ થયા પછી જ સાફો બાંધી શકાય.’

સુજલસિંહ પરમારની પોતાની ખેતી છે, પણ સાફા બાંધવાનું કામ તેમનું ગમતું કામ છે. ૧૦ સેકન્ડમાં જ સાફો પહેરાવી દેવામાં પણ સુજલસિંહ પરમારની મહારત છે. દક્ષિણ ગુજરાતમાં થતા લગ્નપ્રસંગોમાં અને રૅલીઓમાં સુજલસિંહને ખાસ સાફા બાંધવા માટે બોલાવવામાં આવે છે.
બીજેપી, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રૅલીમાં પણ સુજલસિંહે અનેક વખત સાફા બાંધી આપવાની જવાબદારી નિભાવી છે.

સાફાની સાયકોલૉજી

સાફો શૌર્યની નિશાની છે તો પાઘડી શાખનું પ્રતીક છે. સાફામાં અનેક પ્રકારના સાફા છે, જેમાંથી હિન્દુસ્તાનમાં રાજપૂતી સાફાનું ચલણ વધારે રહ્યું છે. પાઘડી તૈયાર હોય, જ્યારે સાફા જે-તે સમયે બાંધવાના હોય. લાલ કિલ્લા પર નરેન્દ્ર મોદીએ પહેરેલો સાફો ચારથી પાંચ મીટર કપડાનો સાફો હતો. આ પ્રકારનો સાફો પહેર્યા પછી આપોઆપ અંદરથી શૌર્યભાવ જનમતો હોય છે. યુદ્ધના મેદાનમાં કેસરિયાં કરવાનાં હોય કે પછી કોઈ ધાર્મિક કાર્ય હોય એવા સમયે સામાન્ય રીતે કેસરી રંગના સાફાનો ઉપયોગ થાય છે.

gujarat Rashmin Shah rajkot narendra modi independence day